રશિયાના વિદેશપ્રધાન સર્ગેઇ લાવ્રોવે અમેરિકા અને રશિયા વચ્ચેના હાલમાં સંબંધ સૌથી ખરાબ હોવાની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રસંઘની એક બેઠકમાં કરી હતી અને પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ રશિયાને રાજકીય દૃષ્ટિએ ‘બ્લૅકમૅલ’ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે અમેરિકાની ઇરાન, સિરિયા અને વેનેઝુએલાને લગતી નીતિની આકરી ટીકા કરી હતી અને મોસ્કો વિદેશોની ચૂંટણીમાં દખલગીરી નહિ કરતું હોવાનો દાવો કર્યો હતો.
સર્ગેઇ લાવ્રોવે જણાવ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પ રશિયા પર વિવિધ પ્રતિબંધ મૂકીને અમને ‘રાજકીય દૃષ્ટિએ બ્લૅકમૅલ’ કરી રહ્યા છે. તેમણે રશિયાનો અમેરિકાના પ્રમુખપદની ૨૦૧૬ની ચૂંટણી અને બ્રિટનમાં કહેવાતા જાસૂસ પર નર્વ ઍજન્ટથી હુમલો કરવામાં હાથ હોવાનો ઇનકાર કર્યો હતો.
રશિયાના વિદેશપ્રધાન સર્ગેઇ લાવ્રોવે જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા રશિયાના પાડોશી દેશો તેમ જ સિરિયાના વિરોધ પક્ષોને ટેકો અપાઇ રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જર્મની અને ફિનલેન્ડમાં ‘રચનાત્મક’ મંત્રણા યોજી હતી. આમ છતાં, હજી સુધી બન્ને દેશ ત્રાસવાદવિરોધી પગલાં, સાયબર-સિક્યૂરિટી, વ્યૂહાત્મક સ્થિરતા, શસ્ત્રોનાં નિયંત્રણ માટેના કરાર જેવા મહત્ત્વના મુદ્દે હજી સુધી અસરકારક સહકાર સાધી નથી શક્યા. બન્ને દેશના નેતાઓ વચ્ચે શિખર મંત્રણા યોજવાનો સમય પાકી ગયો છે.
તેમણે ઇરાનને અણુ કાર્યક્રમમાં આગળ વધતા રોકવા માટે ૨૦૧૫માં કરાયેલા કરારનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમે આ દિશામાં કાર્યવાહી ચાલુ રાખીશું.