રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સુપ્રીમો શરદ પવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રફાલ મુદ્દે કથિત સમર્થનથી નારાજ તારિક અનવર પાર્ટી છોડી ચૂક્યા છે. હવે સવાલ એ છે કે તારિક અનવરનું રાજકીય કદમ શું હશે? જો કે અટકળો તો એવી થઈ રહી છે કે તેઓ એકવાર ફરી કોંગ્રેસમાં પરત જઈ શકે છે.
કટિહારથી સાંસદ તારિક અનવરે કહ્યું હતું, ‘મેં હજુ નિર્ણય લીધો નથી. મારા નજીકના લોકો સાથે ચર્ચા પછી નિર્ણય લઈશ. હું કોંગ્રેસમાં રહી ચૂક્યો છું. એનસીપી પણ કોંગ્રેસમાંથી જ બહાર આવી છે અને કોંગ્રેસની વિચારધારાને આગળ વધારી છે.’
તારિક અનવરે ૧૯૯૯માં શરદ પવારની સાથે કોંગ્રેસ પાર્ટી છોડીને એનસીપી બનાવી હતી. દિવંગત પી એ સંગમા, શરદ પવાર અને તારિક અનવરે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમણે સોનિયા ગાંધીના વિદેશી મૂળના સવાલ અંગે કહ્યું હતું, ‘આ મુદ્દો ૨૦૦૪માં સમાપ્ત થઈ ગયો. સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મામલો અયોગ્ય હતો. મને મારી ભૂલનો અહેસાસ છે.’
તારિક અનવરે કહ્યું હતું, ‘કોંગ્રેસમાં સામેલ થવું હોત તો તેઓ તેમાં જઈ શકતા હતા. શરદ પવારની અનુમતિ લઈને જઈ શકતા હતા પણ પવારનું જે નિવેદન આવ્યું તેનાથી તેમને લાગ્યું કે તેમણે રફાલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચિટ આપી દીધી છે. જેથી મને લાગ્યું કે મારી પાર્ટીથી અલગ થઈ જવું જોઈએ.’