ગાંધીનગર જિલ્લામાં વસતા પૂર્વ સૈનિકો – દિવંગત સૈનિકોનાં ધર્મ પત્નીઓ તથા આશ્રિતોનું સંમેલન ટાઉનહોલ – ગાંધીનગર ખાતે યોજાયું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ અમદાવાદ દ્વારા યોજાયેલ આ સંમેલનનું ઉદઘાટન કર્નલ એલ.એસ. રાજવર, નિવૃત મેજર વિક્રમસિંહ જાડેજા અને કર્નલ રણજીતસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યુ હતું.
મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ અધિકારી એ.પી. ચૌહાણે સ્વાગત પ્રવચનમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સવલતો – સહાય તથા મેડીકલ બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. દેશની રક્ષા માટે વીરગતિ પામેલા સૈનિકોનાં પરિવારજનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લાનાં કુલ ૧૦૧૦ જેટલા પૂર્વ સૈનિકોની સંખ્યા પૈકી સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓની સંખ્યા ૧૨૦ છે જયારે કુલ આશ્રિતોની સંખ્યા ૩૨૭૦ જેટલી છે. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરી, અમદાવાદ દ્વારા સૈનિકોના સંતાનોને સ્કોલરશીપ, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓને માસિક આર્થિક સહાય, અંતિમ સંસ્કાર માટે ઉચ્ચક આર્થીક સહાય અને મકાન સહાય મળીને કુલ ૮૭ કેસોમાં કુલ રૂ. ૨૧..૨૮ લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી છે. આ પ્રસંગે નાયબ સચિવ ડી.આર. ભમર, જિલ્લા રોજગાર અધિકારી વી.એસ. પાંડોર સહિત મહાનુભાવોએ પ્રાંસગિક પ્રવચન કર્યા હતાં.
દેશની રક્ષા કાજે પોતાના જીવનનું બલીદાન આપી વીરગતિ પામેલ જવાનોને શ્રદ્ધાંજલી આપી બે મીનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગાંધીનગર જિલ્લાનાં પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ ઉપસ્થીત રહયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લમાં કુલ ૧૦૧૦ પૂર્વ સૈનિકો પૈકી ગાંધીનગર તાલુકામાં- ૭૪૨, કલોલ – ૧૨૯, માણસા- ૯૯અને દહેગામ તાલુકામાં ૪૦ છે. જે પૈકી ૧૨૦ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોનાં ધર્મપત્નીઓની સૌથી વધુ સંખ્યા ગાંધીનગર તાલુકામાં ૮૨ જેટલી છે. જયારે કુલ આશ્રિતોની સંખ્યા ૩૨૭૦ છે.