મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ૨૯મી સપ્ટેમ્બરથી ૨જી ઓકટોબર દરમિયાન મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં સહભાગી થયેલા ૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરીની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ મંડળ ગામની સ્વચ્છતા અને અન્ય પ્રવૃત્તિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયું હતું. તેમની મુલાકાત દરમ્યાન સમગ્ર ગામમાં અનેક જગાએ સાંસ્ક્રુતિક નૃત્ય નિદર્શન પણ કરાયું હતું.
આ પ્રતિનિધિ મંડળના સભ્યો પુંસરી શાળાની મુલાકાત વેળાએ શાળાની બાળાઓ સાથે ગરબે ઘુમ્યા હતા, સાથે સાથે તેઓએ બાળકો સાથે નૃત્ય પણ કર્યું હતું. તેમના પ્રતિભાવમાં આ સભ્યોએ જણાવ્યું હતું કે, આ ગામની સ્વચ્છતા, શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ, પોષણક્ષમ આહાર, આંગણવાડી, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા આવાસ, આરોગ્ય સેવા વગેરે પ્રશંસનીય છે. આ મુલાકાત અમારા માટે અવિસ્મરણીય રહેશે એમ તેમણે જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાનું પુંસરી એટલે દેશનું શ્રેષ્ઠ ગામ. આ ગામે વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરી દેશ આખાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગામની પોતાની અલગ વેબસાઇટ, શૂન્ય બાકી કરવેરા, સ્વચ્છતામાં અગ્રેસર, ડિજીટલ કામગીરી, ગામમાં મફત આંતરિક બસ વ્યવસ્થા, પીવા માટે મીનરલ વોટર, સુઘડ રસ્તા-શેરીઓ, સી.સી. ટી.વી. કેમેરાથી સજજ સમગ્ર ગ્રામ, સિંગલ એડ્રેસ સિસ્ટમ, ડીજીટલ લાઇબ્રેરી જેવી સંખ્યા બંધ સુવિધાઓ ધરાવતું પુંસરી ગામ આજે વિદેશી પ્રતિનિધિ મંડળ માટે અવિસ્મરણીય મુલાકાતનું કેન્દ્ર પણ બન્યું હતું.
આ મંડળના સભ્યોનું પુંસરી ગામમા પરંપરાગત સ્વાગત કરાયું હતું. શાળાના બાળકોના બનેલા બેન્ડ તથા બાળકો દ્વારા વગડાતા ઢોલ, વાજા,અને મંજિરા સાથે કરાતા નૃત્યને આ સભ્યોએ મનભરીને માણ્યું હતું એટલું જ નહી પરંતુ બાળકો સાથે તેઓ નૃત્યમાં પણ જોડાયા હતા. સાથે સાથે આ મંડળે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાની પણ જાણકારી મેળવી હતી.