ત્રણ દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ આજે વલસાડ નજીક આવેલા પારડી ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં રાહલ ગાંધીએ ગુજરાત અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરેશાન છે. રાજ્યના દરેક ખુણે જનતા આંદોલન ચલાવી રહી છે. પારડી બાદ ધરમપુર પહોંચેલા રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. અને જમીન અધિગ્રહણમાં થતાં ભ્રષ્ટાચાર સાતે ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરી હતી.
ગુજરાતમાં બેરોજગારી, મોંઘુ શિક્ષણ, ખેડૂતોને પાણી ઉદ્યોગોને અપાયા હોવાના આકારા પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દરેક લોકોને સાથે રાખીને ચાલે છે. ત્યારે ભાજપ સરકાર માત્ર પાંચ દસ ઉદ્યોગપતિઓની છે. પ્રજાને ખોટા વચનો આપીને લાગણીઓ સાથે રમત રમવામાં આવી છે. કોંગ્રેસે મનરેગા દ્વારા સામાન્ય લોકોને રોજગારી અપાવી હતી. જ્યારે ભાજપે જીએસટી દ્વારા લોકોની કમર તોડી નાખી છે. ઉદ્યોગ-ધંધાને ખૂબ અસર પહોંચી છે. જેથી આ સરકારને રવાના કરીને નવસર્જન કરવાની અપીલ રાહુલ ગાંધીએ કરી હતી.
રાહુલ ગાંધીએ કોસંબામાં માછીમારો સાથે મુલાકાત કરી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે તેમણે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાં થતાં ભાવ વધારાની અસર સમગ્ર દેશમાં થાય છે, પરંતુ સૌથી વધારે અસર કાપડ બજાર અને શાક માર્કેટ પર જોવા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો પેટ્રોલ-ડીઝલ ય્જી્માં આવરી લેવામાં આવે તો ભાવ નિયંત્રણમાં આવી શકે છે.
ધરમપુર ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં સંવાદ કરતાં રાહુલ ગાંધીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ ગણાવી હતી. સાથે જ ખેડૂતો પર ૭૨, ૪૦૦ કરોડનું દેવું હોવાનું કહી ખેડૂતોની જમીન અધિગ્રહણમાં ચાલતાં ભ્રષ્ટાચારની વાત કરી હતી. કોંગ્રેસ સરકાર આવ્યા બાદ જમીન અધિગ્રહણ બિલમાં સંશોધન કરવામાં આવશે. અને જમીનના બજાર ભાવ કરતાં ચાર ગણા આપવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા યોજાયેલા સંમેલનમાં ચર્ચા કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષને ખેડૂતોના બુલેટ ટ્રેનમાં જમીન જવા અંગેના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોની સાથે સુડા, નુડા, બુલેટ ટ્રેન સહિતના રિઝર્વેશનમાં ખેડૂતો વચ્ચે રહીને કોંગ્રેસ સાથ આપસે તેમ ખેડૂતો સાથે ચાલેલા અડધા કલાકના સંવાદમાં જણાવ્યું હતું. સાથે જ પાંચયાતિ રાજમાં સુધારા કરીને સરપંચને સત્તા આપવામાં આવશે તેમ પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ લાખ રૂપિયાના વચનોને ઠાલા ગણાવતા કહ્યું હતું કે હજુ પણ સમગ્ર દેશ તેમના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા થાય તેની રાહ જોઈ રહ્યા છે. મોદીએ ચૂંટણી પહેલા લોકોને ઠાલા વચનો આપ્યા હતા. વડાપ્રધાનને ફક્ત માર્કેટિંગ કરતા જ આવડે છે. લોકોના ખાતામાં હજુ એક રૂપિયો પણ જમા થયો નથી.
તેમણે કહ્યું હતું કે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન પણ રાજ્યમાં કોરોડોનું રોકાણ આવશે તેવા સપના દેખાડવામાં આવ્યા હતા. ૮૪,૦૦૦ કરોડનું રોકાણ થશે તેવા વચનો આપવામાં આવ્યા હતા પરંતુ તે વચનો પણ ઠાલા નિવડ્યા છે. હજી સુધી ફક્ત બે ટકા જ રોકાણ થયું છે.
વડાપ્રધાન મોદીના મેક ઈન ઈન્ડિયાની યોજનાની ઝાટકણી કાઢતા રાહુલે કહ્યું હતું કે મેક ઈન ઈન્ડિયા પણ ફક્ત કહેવા પૂરતું છે કેમ કે તમામ વસ્તુઓ ચીનથી આયાત કરવામાં આવે છે. હકિકતમાં તો મેડ ઈન ગુજરાત અને મેડ ઈન ઈન્ડિયા હોવું જોઈએ .જીએસટી મુદ્દે કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે જીએસટીના અમલ દરમિયાન અમે કરેલા સૂચનોને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.
દલિતો પર ચાલેલી લાઠી ગુજરાતનુ સત્ય છે. મોંઘુ શિક્ષણએ ગુજરાતની સચ્ચાઈ છે તેમ રાહુલ ગાંધીએ કહ્યું હતું. રાહુલ ગાંધીએ સભામાં ગુજરાતમાં વિવિધ સમાજના આંદોલનો ચાલી રહ્યા છે. તે દર્શાવે છે કે કોઈ ખુશ નથી. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો બધા સમાજના લોકોને સાથે રાખીને ચાલશું તેવો વાયદો કર્યો હતો.
ખેડૂત સંમેલન સ્થળે પહોંચેલા રાહુલ ગાંધીએ ત્રણ વર્ષના બાળકને પોતાની પાસે બોલાવીને સ્ટેજ પર પોતાની બાજુમાં બેસાડ્યો હતો. રાહુલ ગાંધીની બાજુમાં સ્ટેજ પર સ્થાન મેળવનાર પવનક્ષ ભાવેશ પટેલ ઓલપાડનો વતની છે. અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે.
રાહુલ ગાંધીનો ગુજરાતમાં આજે છેલ્લો દિવસ છે ત્યારે રાહુલે દ.ગુજરાત જગવ્યું છે. નાનાથી લઇને મોટા દરેક લોકોને રાહુલ ગાંધી મળી રહ્યા છે. લોકો સાથે ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે. કોસંબામાં આવેલા રણછોડરાયના મંદિરમાં રાહુલે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.