છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે નાફેડ દ્રારા બે વર્ષ દરમિયાન ખરીદાયેલી ૧૭ કરોડની ૬૨ હજાર બોરી તુવેર વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાના ગોડાઉનમાં સડી રહી છે. બે વર્ષમાં ખેડુતો પાસેથી ખરીદાયેલી તુવેરો આજ સુધી એક પણ ગુણ વેચાઇ નથી. રૂપિયા ૫૫૦૦ના ભાવે ખરિદાયેલી તુવેર બે વર્ષ પછી હવે ૩૩૦૦ રૂપિયાના ભાવે વેચવામાં આવી રહી છે. ૨૦૧૬ અને ૨૦૧૭ વર્ષ દરમિયાન છોટાઉદેપુર અને વડોદરા જીલ્લાના નાફેડના ખરીદ કેદ્ર મારફ્તે ખેડુતો પાસેથી ૫૫૦૦ રૂ. પ્રતિ કિવીંટલના ભાવે ખરીદેલી તુવેર બોડેલી બાજાર સમીતીમાં આવેલી માર્કેટના આઠ ગોડાઉન, વેર હાઉસ કોર્પોરેશનના ચાર ગોડાઉન અને વાઘોડિયાના ત્રણ ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવી હતી. તુવેરનો લાંબો સમય સંગ્રહ શક્ય નથી, તુવેર ૪ મહિના સારી રહે છે પછી તે સડવા લાગે છે, પરંતુ નાફેડ દ્રારા ખરીદાયેલી તુવેર બે વર્ષથી સંગ્રાયેલી છે. તુવેર પકાવતા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે નાફેડ દ્રારા ખેડુતો પાસેથી બાજાર ભાવ કરતા ઉચા ભાવે ખરીદાઇ હતી. ત્યારપછી આ તુવેર સંગ્રહ કરી મોટા વેપારીઓને ઓનલાઇન ભાવ ભરીને વેચાણ કરી નાફેડ નફો મેળવે છે પંરતુ ભાવ ઉચા હોવાથી વેચાઇ ન હતી.
બે વર્ષ સતત તુવેર ખરીદી ચાલુ હતી વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ના વર્ષમાં તુવેરની ખરીદી કરાઇ હતી અને તેનો પણ સંગ્રહ સાથે કરવામાં આવતો હતો. તુવેરને નાફેડ દ્રારા પિન્ટ કરાયેલા બારદાનમાં ભરતા પહેલા મશીનો દ્રારા સફાઇ કરવામાં આવતી હતી, જે તુવેર સંગ્રહ કરાઇ હતી તે એકદમ ચોખ્ખો માલ હતો ૧૫ ગોડાઉનમાં ૫૦ કિલોની એક એવી ૬૨ હજાર બોરી એટલે કે ૩૧૦૦ ટન તુવેર પડી હતી. કિમત ૧૭,૦૫.૦૦૦૦૦ રૂપિયાના માલ એમને એમ ગોડાઉનોમા પડી રહીને સડી ગયો. નાફેડ અને સરકારી તંત્રે આ સ્ટોકની હાલત અંગે કેમ કઇ વિચાર્યુ નહી તેવા પણ સવાલો ખેડુતોમાં ઉભા થઈ રહ્યા છે. આ અંગે ના અહેવાલ પ્રસિધ્ધ થતા કલેકટર છોટાઉદેપુરે નાયબ કલેકટર બોડેલીને ટેલીફોનિક સુચના આપતા નાયબ કલેકટર બોડેલી એપી એમ સી. તેમજ વેર હાઉસના ગોડાઉનો પર સ્થળ તપાસ માટે દોડી આવ્યા હતા પંરતુ રવિવાર હોવાથી તેમને ગોડાઉનો બંધ મળ્યા હતા.