ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર હૉસ્પિટલમાં હોવાથી ગોવાના કારભારમાં કંઇ ફરક નથી પડ્યો, કારણ કે તેઓ નવી દિલ્હીની એઇમ્સમાંથી બધી ઑફિશિયલ ફાઇલ ક્લિયર કરી રહ્યા છે, એવી માહિતી ગોવાના એક વરિષ્ઠ પ્રધાને આપી હતી.
પર્રિકર નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)માં તેમની સ્વાદુપિંડને લગતી બીમારી માટે સારવાર હેઠળ છે. ગોવાના મુખ્ય પ્રધાન હૉસ્પિટલમાંથી બધી ફાઇલ ક્લિયર કરી રહ્યા છે. તેમની પાસે જે પણ ફાઇલ મોકલવામાં આવે છે તેને તેઓ બેથી ત્રણ દિવસમાં ક્લિયર કરીને મોકલી આપે છે. કોઇ પણ ફાઇલ પેન્ડિંગ નથી, એમ ગોવા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના પ્રધાન સુદીન ધવલીકરે જણાવ્યું હતું. એક કાર્યક્રમમાં ધવલીકર પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે પોર્ટુગીઝ સરકાર સાથે પાણી પુરવઠા અને સેનિટેશન અંગેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પર્રિકરના આદેશ મુજબ રાજ્યના કેબિનેટ સભ્યોની દર બુધવારે રિવ્યુ મીટિંગ ભરવામાં આવે છે અને વહીવટી મૂંઝવણો અને તેના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવે છે. ત્યાર બાદ આ મીટિંગનો રિપોર્ટ મુખ્ય પ્રધાનને મોકલવામાં આવે છે. દરેક પ્રધાન તેમના ખાતાનો અખત્યાર સંભાળવા અને રાજ્યના કારભાર માટે સક્ષમ છે. અમારા વહીવટી કામ પર મુખ્ય સચિવ દેખરેખ રાખે છે, એમ તેમણે જણાવ્યું હતું. પર્રિકર (૬૨)ને ૧૫ સપ્ટેમ્બરથી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ સારવારાર્થે અમેરિકા ગયા હતા. એકાદ અઠવાડિયા પહેલા ભાજપની ટીમે ગોવાની મુલાકાત લીધી હતી અને પર્રિકરની ગેરહાજરીમાં રાજ્યની વસ્તુસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત બાદ ભાજપે જાહેર કર્યું હતું કે પર્રિકર ગોવા રાજ્યની સરકાર સંભાળશે. છેલ્લા કેટલાક સમયથી પર્રિકરની નાદુરસ્ત તબિયતને કારણે રાજ્યના ફલક પર તેમની ગેરહાજરીથી અનેક તર્કવિતર્કોને મોકળું મેદાન મળ્યું છે.