અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સંબંધોમાં હંમેશા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. જોકે સિંગાપોરની બેઠક બાદ બન્ને વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે. હવે ટ્રમ્પ જણાવ્યું છે કે, તેઓ અને કિમ જોંગ ઉન એક બીજાના પ્રેમમાં પડી ગયા છે. ટ્રમ્પ હંમેશા જ તેમના વિવાદસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. જોકે હવે તો ટ્રમ્પે હદ વટાવી દીધી છે તેમણે જણાવ્યું છે કે તેઓ અને ઉત્તરકોરિયાના નેતા કિમ જોંગ ઉન એકબીજાના ‘પ્રેમ’માં પડી ગયા છે. ઉત્તરકોરિયાના નેતા તરફથી આવેલા સુંદર પત્રોના કારણે બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઇ છે.
રિપબ્લિકન પાર્ટીના એક સ્થાનીય ઉમેદવારના સમર્થનમાં પશ્ચિમ વર્જીનિયામાં આયોજીત એક રેલીમાં ટ્રમ્પે શનિવારે ઉત્તરકોરિયાના નેતાની મનમુકિને પ્રશંસા કરી હતી. ટ્રમ્પે રેલીમાં જણાવ્યું કે, ‘અમે પ્રેમમાં પડી ગયા છે -ઓકે! સાચે’ તેમણે મને અત્યંત ‘સુંદર પત્ર’ લખ્યા છે. અમે પ્રેમમાં પડી ગયા છે.
સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ટ્રમ્પે કિમ જોંગ ઉનના વખાણ કર્યા હતા.જોકે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય કેટલાક દેશો કિમ જોંગ ઉન પર માનવઅધિકારનો ભંગ કરવાના આરોપ લગાવે છે. નોંધનીય છે કે ટ્રમ્પે એક વર્ષ અગાઉ આ મંચ પર જ ઉત્તર કોરિયાને સંપૂર્ણ રીતે બર્બાદ કરી નાંખવાની ધમકી આપી હતી.