ઓસ્ટ્રેલિયાની ટીમ દુબઇમાં છે. પાકિસ્તાન વિરૂદ્ધ ૨ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા તે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. પાકિસ્તાન-એ વિરૂદ્ધ ચાર દિવસીય મેચનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયા માટે સારો રહ્યો નહતો. ફિલ્ડિંગ કરી રહેલા મેટ રેન શોના માથા પર બોલ લાગ્યો હતો જેને કારણે તેને મેદાનની બહાર જવુ પડ્યુ હતું.
૨૨ વર્ષના ઓપનર બેટ્સમેન રેન શો પ્રેક્ટિસ મેચમાં આગળ નહી રમી શકે. સ્પિનર નાથન લાયનની ઓવરમાં આબિદ અલીએ એક જોરદાર શોટ ફટકાર્યો હતો. જે બોલ સીધો શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા રેન શોના હેલ્મેટ પર જઇને લાગ્યો હતો અને હવામાં ઉછળ્યો હતો જેને વિકેટકીપર ટિમ પેને પકડી લીધો હતો. ઓસ્ટ્રેલિયાને વિકેટ મળી હતી પરંતુ રેન શોને ઇજા થઇ હતી.
રેન શોએ તરત જ પોતાનું હેલ્મેટ ઉતાર્યુ અને માથુ પકડીને મેદાન પર બેઠી ગયો હતો. કેપ્ટન ટિમ પેન અને મેડિકલ સ્ટાફે રેન શોને ઉભા કરવામાં મદદ કરી હતી. રેન શોની તપાસ માટે આઇસીસી એકેડમી ચેન્જ રૂમમાં લઇ જવામાં આવ્યો હતો. તે બાદ પાકિસ્તાનની ટીમ રેન શોની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની અંતિમ-૧૧માં માર્નસ લાબુશેનને ટીમમાં રાખવા તૈયાર થઇ હતી.