ગાંધીનગરમાં જુદા જુદા ઉમેદવારોના નામ ચર્ચાય છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર નહીં થવાથી હજુ સુધી ચૂંટણીનો માહોલ જામતો નથી ભાજપમાં આશિષ દવેનું નામ તેના ગોડફાધર શંકરભાઈ ચૌધરીના લીધે ટોચમાં ચર્ચાઈ રહ્યું છે. તો કોંગ્રેસમાં જગ જાહેર અહેમદભાઈના માણસ તરીકે નિશિત વ્યાસનું નામ ચર્ચામાં આગળ છે એટલું જ નહીં તેમણે તો પોતાનું નામ નિશ્ચિત માનીને હોર્ડિંગ તેમજ બોર્ડ વગેરેનો ખર્ચો પણ શરૂ કરી દીધો છે.
વિધાનસભા ચૂંટણીનું જાહેરનામુ બહાર પડયા પછી આચાર સંહિતા લાગુ પડી ગયાને ૧૦ દિવસ થવા આવ્યા છે. પરંતુ ગાંધીનગરમાં હજુ સુધી ચૂંટણીનો ગરમાવો આમ આદમી એટલે કે, મતદારના સંદર્ભમાં અનુભવાતો નથી. મતદારોને ઢંઢોળવાનું કામ કરતાં છેવાડાના કાર્યકરો પણ ઉમેદવારનું નામ જાહેર થાય અને ઉપરથી આદેશ થાય ત્યારપછી જ દોડવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. મતદારો પણ ઉત્સાહીત દેખાતા નથી. પરંતુ ચૂંટણીનો ગરમાવો પક્ષોના કાર્યાલયોમાં અને ચૂંટણી લડવા માગતા ઉમેદવારો પૂરતો સીમીત જણાઇ રહ્યો છે.
કર્મચારીનગર કહેવાતા ગાંધીનગરમાં સરકારી કચેરીઓમાં પણ ગાંધીનગર બેઠક પર શું થશે કે, રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ નથી કરાયો કે, આચારસંહિતા સંદર્ભે કોઇ ચર્ચાઓ થતી સાંભળવા મળતી નથી. કેમ કે, આ તમામ અધિકારી-કર્મચારીઓને પણ પોતાના ભાગે આવતી ચૂંટણી ફરજ સાથે લેવા દેવા છે. સૌથી વધુ લેવા દેવા તેઓને આ કામગીરીમાંથી કઇ રીતે મુકિત મળી જાય તેની સાથે છે. તેથી તેઓ મતદાર હોવા છતાં ચૂંટણીની કોઇ ચર્ચામાં પડતા નથી.
રાજકીય પક્ષો પણ તેની વ્યુહ રચનાના આયોજનમાંથી હજી બહાર આવ્યા નથી. તેથી કાર્યકરો દોડતા થયા નથી. મુખ્ય પક્ષો સાથે જોડાયેલા કાર્યકરો હજુ સુધી ડોર ટુ ડોર પ્રચારના કામમાં લાગ્યા નથી કે, ઘેર ઘેર ફરીને ચોપાનીયા વહેંચવાનું પણ શરૂ કરવામાં આવ્યું નથી. સમય અને સંજોગો બદલાવાની સાથે હવે કાર્યકરો પણ ગાંઠનું ગોપી ચંદન કરતા હોતા નથી. પરિણામે ઉપરથી આદેશ થયા પછી એટલે કે, શું મળશે તે નક્કી કરી દેવાયા પછી જ કાર્યકરો દોડતા થશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. ત્યાર પછી જ મોટાભાગના પાટનગર વાસીઓને ખરા અર્થમાં ચૂંટણીના માહોલનો અહેસાસ થશે.તેવુ લોકો માને છે.