ભારે વિવાદમાં ચાલી રહેલા બૂલેટ ટ્રેન જમીન સંપાદનના કેસને લઈને આજે ગુજરાત હાઇકોર્ટમાં ૪૦ જેટલી નવી અરજીઓ કરવામાં આવી છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન મામલે ૪ ખેડૂતે કોર્ટમાંથી પિટિશન પરત ખેંચી હતી. ખેડૂત સમાજના વકીલે આજે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોના પ્રલોભન આપી અને અરજીઓ પરત ખેંચવા દબાણ કરી રહી છે. ચાર અરજી પાછી ખેંચવાના પ્રયાસો થશે તો સામે ૪૦ અરજીઓ નવી થશે અને ખેડૂતોની લડાઈ યથાવત રહેશે.
વધુમાં કેન્દ્ર સરકાર પણ હાઇકોર્ટમાં સુનાવણી વિલંબિત કરવાના પ્રયાસો કરી રહી હોવાના પણ આક્ષેપ વકીલે કર્યા હતાં. આ મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી ૪ ઓકટોબરે હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેકટના કામને વેગ મળે તેવા સમાચાર દક્ષિણ ગુજરાતમાંથી મળ્યાં છે. બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનમાં અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન આપવાની તૈયારી દર્શાવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન મામલે ખેડૂતો દ્વારા કરાયેલો કોર્ટ કેસ પરત ખેંચાયો છે. ચોયાર્સી તાલુકાના વકતાણા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમા ખેડૂતો સમાધાનકારી વલણ તરફ જતા જોવા મળ્યાં હતાં.