દિપક મિશ્રા આજે નિવૃત્ત થશે : ઘણા ચુકાદા આપ્યા

819

ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ સોમવારના દિવસે અંતિમ વખત સુનાવણી હાથ ધરી હતી. આવતીકાલે ચીફ જસ્ટિસ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમની સાથે જસ્ટિસ રંજન ગોગોઈ પણ હતા જે હવે ચીફ જસ્ટિસ મિશ્રા બાદ આ હોદ્દા ઉપર જવાબદારી સંભાળશે. જ્યારે એક વકીલે એક ગીત મારફતે તેમના લાંબા જીવનની પ્રાર્થના કરી ત્યારે ચીફ જસ્ટિસે તેમને રોકીને કહ્યું હતું કે, હાલમાં તેઓ દિલથી વાત કરી રહ્યા છે પરંતુ સાંજે દિમાગથી જવાબ આપશે. છેલ્લા ૧૦ દિવસના ગાળામાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ એક પછી એક ઐતિહાસિક નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે જેમાં આધાર કાર્ડ, સજાતિય સંબંધો, લગ્ન બાદના સંબંધોને મંજુરી અને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો સમાવેશ થાય છે.

આ તમામ મહત્વપૂર્ણ નિર્ણયોમાં સુનાવણી કરનાર પીઠનું નેતૃત્વ કરનાર ચીફ જસ્ટિસ મિશ્રા ૨૫ મિનિટ સુધી ચાલેલી કોર્ટની કાર્યવાહી દરમિયાન ભાવનાશીલ બની ગયા હતા. કાર્યવાહીના અંતમાં જ્યારે એક વકીલે તુમ જીઓ હજારો સાલ ગીત શરૃ કરી દેતા ચીફ જસ્ટિસે તેમને રોકી દીધા હતા. જસ્ટિસ ગોગોઈ ત્રીજી ઓક્ટોબરના દિવસે તેમની જગ્યા લેશે. દેશના મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ લેશે. જસ્ટિસ ગોગોઇ અને જસ્ટિસ ખાનવીલકર પણ પીઠના હિસ્સા તરીકે રહ્યા હતા. સોમવારના દિવસે તાત્કાલિક સુનાવણીમાં કોઇ મામલા લેવામાં આવ્યા ન હતા. હાલમાં જ એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાને ૧૭મી જાન્યુઆરી ૧૯૯૬ના દિવસે ઓરિસ્સા હાઈકોર્ટના વધારાના જજ નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરી દેવામાં આવી હતી. ૧૯મી ડિસેમ્બર ૧૯૯૭ના દિવસે સ્થાયી ન્યાયાધીશ બન્યા હતા. ૨૩મી ડિસેમ્બર ૨૦૦૯ના દિવસે પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની જવાબદારી સંભાળી હતી. ૨૪મી મે ૨૦૧૦ના દિવસે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. ચીફ જસ્ટિસ મિશ્રાએ ૧૦મી ઓક્ટોબર ૨૦૧૧ના દિવસે બઢતી મેળવીને સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી કરી હતી. ૨૮મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે દેશના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૬મી સપ્ટેમ્બરના દિવસે લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આધારની બંધારણીય કાયદેસરતાને જાળવી રાખી હતી. જો કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ લાગી કરી દીધી  છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારને રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર કોર્ટની મંજુરી વગર કોઇ અન્ય એજન્સીને શેયર કરી શકશે નહીં. સુપ્રીમ કહ્યુ હતુ કે સીબીએસઇ, નીટ, યુજીસ  માટે આધાર જરૂરી છે પરંતુ સ્કુલમાં પ્રવેશ મેળવી લેવા માટે આધાર જરૂરી નથી. જ્યારે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પતિ, પત્નિ અને વોના સંબંધ હવે અપરાધ નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે એડલ્ટરી હવે અપરાધ નથી. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૪૯૭માં એડલ્ટરીને અપરાધ તરીકે ગણનાર જોગવાઇને ગેરબંધારણીય તરીકે ગણાવીને તેને ફગાવી દીધી છે.સુપ્રીમે એડલ્ટરી (વ્યભિચાર) કેસમાં આઇપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી  દીધો હતો.

Previous articleપેટ્રોલમાં ૨૪ અને ડીઝલમાં ૩૨ પૈસાનો વધારો : મુંબઇમાં પેટ્રોલ  ૯૧થી ઉપર
Next articleભુકંપ-સુનામી : મોતનો આંક ૧૩૦૦થી ઉપર પહોંચી શકે