નિત્યપૂજાએ ભગવાન સાથેની અંગત મુલાકાતછે – પ.પૂ. મહંત સ્વામી મહારાજ

1368

ભાવનગર શહેરની શોભા વધારતું અને સંસ્કાર પ્રવર્તાવતું બેએપીએસ સ્વામિનારાયણ મંદિર હાલ પ.પૂ. મહંતસ્વામી મહારાજનું યજમાન સ્થળ બન્યું છે. આ વર્ષે તેઓનો ૮પમો જન્મજયંતિ મહોત્સવ ભાવનગર ખાતે ઉજવવામાં આવનાર છે. તે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક અને પ્રેરણાદાયક કાર્યક્રમોની નિત્ય પ્રસ્તુતિ મંદિર ખાતે થઈ રહી છે.

આજે મહોત્સવના દ્વિતિય દિવસે સર્વ સત્સંગી હરિભક્તોને નિત્ય પૂજાની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે નિત્ય પૂજા દિન ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારે ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો પ.પૂ. મહંતસ્વામી મહારાજના પ્રાતઃ પુજા દર્શનનો લાભ લેવા પધાર્યા હતાં. પૂજાદર્શન બાદ પ.પૂ. સ્વામીએ આશીર્વચનમાં નિત્યપૂજાની મહત્તા વર્ણવી હતી. નિત્યપૂજાએ દરેક સત્સંગીની જીવનનો અભિન્ન અંગ હોવો જોઈએ. નિત્ય સવારમાં પવિત્ર થઈને ભગવાનની પૂજા કરવાથી મન પવિત્ર થાય છે. નિત્યપૂજાએ ભગવાન સાથેની અંગત મુલાકાત છે. ધ્યાન માનસી દરમિયાન ભગવાન પ્રત્યક્ષ પધારીને આપણી ભક્તિ અંગીકાર છે. માળાજાપ દરમિયાન થતું સ્વામિનારાયણ મહામંત્રીનું રટણ આપના સર્વે દુઃખો ટાળીને શુભ સંકલ્પો પુર્ણ કરે છે. આપના જીવનના કેન્દ્રમાં સતત ભગવાન અને સંત પ્રધાન રહે તે માટે પ્રદક્ષિણ હોય છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી નિર્માનીપણું અને દાસભાવ દ્રઢ થાય છે. ત્યારબાદ સુક્તિરત્નના પ શ્લોકોનું વાંચન અને મનન જીવનમાં નૈતિકતા વધારે છે. આવા અનેક ઉત્તમ ફળો અને લાભ નિત્યપૂજાથી પ્રાપ્ત થાય છે. નિત્યપૂજા કરનાર હરિભક્તના યોગ અને ક્ષેમનું વહન ભગવાન સ્વયં કરતા હોય છે.

સાંજની સભામાં પણ વિડીયો, વર્કશોપ પ્રવચન, વગેરે માધ્યમો દ્વારા નિત્યપૂજાની પ્રેરણા સૌ હરિભક્તોને આપવામાં આવી હતી. પ.પૂ. મહંતસ્વામીમહારાજે વિવિધ પ્રશ્નોના ઉત્તરૂપે નિત્યપુજાની અગત્યતા અને મહિમાને દ્રઢાવી  હતી અને પ્રતિજ્ઞાપત્ર વાંચીને ઉપસ્થિત સૌ ભક્તોને નિત્યપૂજા કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. આજના પ્રસંગે પ.પૂ. મહંતસ્વામી મહારાજના દર્શન-આશીર્વાદનો લાભ લેવા શહેર મેયર મનભા મોરી, ડેપ્યુટી મેયર રાજુભાઈ બારૈયાસહિત શહેર ભાજપ સંગઠનના સમસ્ત ઉચ્ચ હોદ્દેદારો પધાર્યા હતાં.પ.પૂ. સ્વામીએ તેઓ સર્વેને હાર અને સ્મૃતિ ભેટ આપી સત્કાર્યા હતાં. સાંસદ સભ્ય ભારતીબેન શિયાળ પણ પ.પૂ.સ્વામીના દર્શન કરી કૃતાર્થ થયા હતાં.

Previous articleઆશા વર્કર મહિલાઓ વિવિધ પ્રશ્નો અંગે સેવા સદને ધરણા યોજાયા
Next articleમહાકવિ ચંદબરદાઈ બારોટની ૮૬૯મી જન્મજયંતિ ઉજવાઈ