પૂ. મોરારિબાપુની પ્રાગટય ભુમિ પર ગવાશે રામકથા

917

સત્યની પીઠિકા પર પ્રેમના ઘાટથી કરુણાનાં છત્ર નીચે માનસકથાનું ગાન કરનાર પૂજ્ય બાપુની પ્રાકટ્ય ભૂમિ પર વ્યાસપીઠ દ્વારા ૮૧૮ મી રામકથા યોજાઈ રહી છે.

બાપુ દ્વારા પોતાની સૌ પ્રથમ રામકથા તલગાજરડાની ભૂમિ પર ૧૯૬૦માં થયેલી.૧૯૬૨માં બીજી અને ૧૯૬૪ માં કથાક્રમની ચોથી અને  આ ભૂમિ પરની ત્રીજી કથા ગવાઈ હતી.ત્યારબાદ આઠ વર્ષ પછી ૧૯૭૨ માં કુલ કથાક્રમની ૫૧ મી,૧૯૭૪ માં ૭૫ મી,૧૯૭૬ માં ૧૨૧ મી અને ૧૯૭૮ માં ૧૬૮ મી રામકથા તલગાજરડામાં યોજાઈ.૧૧ વર્ષ બાદ ૧૯૮૯ માં ‘માનસ દોહાવલી’નું ગાન થયું જે કુલ કથાક્રમની ૪૦૦ મી કથા હતી.૧૪ વર્ષના ગાળા પછી ૨૦૦૩ માં કથાક્રમની ૬૦૦ મી અને તલગાજરડાની ભૂમિ પરની નવમી કથા “માનસ મોરારિ” નામાભિધાન સાથે ગવાઈ.

પોતાની જન્મભૂમિને ૯ ના પૂર્ણાંક પર રાખીને વિશ્વના અનેક દેશોમાં અને ભારતના વિવિધ રાજ્યોમાં વ્યાસપીઠે કથા-લાભ આપ્યો.૧૫ વર્ષના અંતરાલ પછી તલગાજરડાની દસમી અને કુલ કથાક્રમની ૮૧૮ મી કથા લઈને વ્યાસપીઠ આ પાવન ધરતી પર પધારી રહી છે ત્યારે કથાક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવાની ભૂમિકા બંધાઈ ચુકી છે.

આમ તો વ્યાસપીઠનો પ્રત્યેક મુકામ નીત્ય નવીન ઇતિહાસ રચે છે.પણ બાપુના નિયમિત શ્રોતાઓ માને છે કે જો કદાચ વ્યાસપીઠ પરથી “માનસ-મોરારિ-૨”નું ગાન થશે તો વ્યાસપીઠના તમામ ફ્લાવર્સ માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે તેનું શ્રવણ કરવાની  ધન્ય ક્ષણો પ્રાપ્ત થશે.અથવા તો જે કોઈ વિષય પર બાપુ પાસે અસ્તિત્વ જે કાંઈ પ્રક્ટાવશે તે શ્રાવકોની આંતર્ચેતનાને વધુ સજાગ, વધુ વિકસિત અને વધુ પ્રકાશિત કરશે.

કથાનું એક નોંધનીય પાસું  એ છે કે વ્યાસપીઠની કથાયાત્રાના આટલા દીર્ઘ પ્રવાસમાં પ્રથમ વખત જ કથાકાર અને યજમાન બંનેની જન્મભોમકા તલગાજરડા છે.મહુવાની ૧૮ મી કથા (કૂલ કથાક્રમ- ૭૯૧) દરમ્યાન બાપુએ “એક ખેલ તલગાજરડામાં નાખવા”ની વાત કરી જેને શ્રી હરિભાઈ નકુમે ઝીલી લીધી.બાપુએ તે જ દિવસે તેમને કથા આપી દીધી અને બીજા દિવસે વ્યાસપીઠ પરથી તારીખની ઘોષણા પણ થઈ ગઈ.  હમણાં જયારે તલગાજરડા ખાતે રામકથા કાર્યલયનું ઉદ્ઘાટન થયું ત્યારે સમારંભની ભવ્યતા,વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે ઉપસ્થિત જનમેદની અને મંગલ ઉત્સવ યોજાવાના હર્સોલ્લાસ ભર્યાં વાતાવરણ વચ્ચે બાપુએ  જાણે કે પોતાની અંતઃપ્રેરણાથી કહેલું કે “આ કથા ઐતિહાસિક બની રહેશે.”એટલે વિશ્વમાં કદાચ ક્યાંય,ક્યારેય પણ ન યોજાય હોય એવી કથાનું આયોજન બાપુની પ્રાકટ્ય ભૂમિમાં થઇ રહ્યું છે.મહુવા-તલગાજરડા માર્ગ પર ૧૮૨ વીઘા જેટલી વિશાળ જગ્યા પર જે રીતે કથા માટેની તડામાર પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે તેના પરથી આગામી કથાની ભવ્યતાનો અંદાજ મળે છે.વિશ્વભરના વ્યાસપીઠ ફ્લાવર્સ તત્પરતાથી ૨૭ ઓક્ટોબરની રાહ જોઈ રહ્યા છે.

Previous articleબીજી ઓક્ટોબરઃ   ગાંધી વિચારધારા અને આપણે
Next articleતાપીબાઈ આયુર્વેદિક હોસ્પિ.માં દર્દીઓની સુવિધામાં બેદરકારી