ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગસ્પિનર શેન વોર્ને ફરી એકવાર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ વો પર આકરા પ્રહારો કર્યા છે. શેન વોર્ને પોતાની આગામી આત્મકથાના એક પ્રકરણમાં જણાવ્યું છે કે, ’મેં મારી કારકિર્દીમાં સ્ટિવ વો જેવો સ્વાર્થી ખેલાડી જોયો નથી. સ્ટિવ માટે ટીમનું હિત નહીં પણ પોતાની બેટિંગ એવરેજ ૫૦થી ઘટે નહીં તે જ એકમાત્ર લક્ષ્યાંક હતું. સુકાની બન્યા બાદ તે વ્યક્તિ તરીકે સંપૂર્ણ બદલાઇ ગયો હતો. સ્ટિવે સુકાની બન્યા બાદ મને પડતો મૂક્યો એટલે હું તેની ટીકા કરી રહ્યો નથી. મારું માનવું છે કે હું સારો દેખાવ કરું નહીં તો મને ટીમમાં જાળવી રાખવાનો મતલબ નથી. પરંતુ પ્રદર્શન નહીં પણ ઈર્ષ્યાને કારણે સ્ટિવે મને બહાર કર્યો હતો. મારું મનોબળ ભાંગી પડે તેના માટે સ્ટિવ કાયમ મને વજન નિયંત્રણ રાખવા માટે ટોકતો હતો. મારે કેવી વ્યક્તિ બનવી જોઇએ તેની પણ સ્ટિવ સતત સલાહ આપતો હતો. ૧૯૯૯માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ વખતે તત્કાલીન કોચ જ્યોફ માર્શ, પસંદગીકાર એલન બોર્ડરની ઉપરવટ જઇને સ્ટિવે મને અંતિમ ટેસ્ટમાંથી પડતો મૂક્યો હતો. હું કબૂલું છું કે એ વખતે ઈજામાંથી પાછો ફર્યો હોવાથી અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યો નહોતો. પરંતુ સ્ટિવ જે ત્યારે મારો મિત્ર હતો તેની પાસેથી મને ટેકાની આશા હતી.