ગુરૂનાનકજીની આજે પ૪૯મી જન્મજયંતિની શહેરમાં ભારે ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૪ વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રભાતફેરી, પંજ ગુરૂબાણી, કિર્તન, અખંડપાઠ, ધજા ચડાવવી બાદ બપોરના મહાપ્રસાદ (લંગર)નું રસાલા કેમ્પ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના ૩ કલાકે માધવદર્શન પાસે આવેલ ગુરૂદ્વારાથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા શહેરના રાધામંદિર, આતાભાઈ રોડ, સિંધુનગર, સરદારનગર, ઘોઘાસર્કલ થઈ ગુરૂદ્વારા પરત ફરી હતી. બાદ રાત્રિના આતશબાજી કરવામાં આવી હતી. ગુરૂનાનકજીની જયંતિ નિમિત્તે ચક્રધારી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મોટીસંખ્યામાં સમાજના લોકોએ રક્તદાન કર્યુ હતું. સવારથી શરૂ થયેલા ધાર્મિક કાર્યક્રમોમાં મોટીસંખ્યામાં સિંધી સમાજના ભાઈ-બહેનો જોડાયા હતા.