જન્મજયંતિ પ્રસંગે યુનિ.માં સફાઈ મહા અભિયાન : ૧ર૦૦ કિલો કચરાનો નિકાલ

1162

રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ વર્ષની ખરી ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે થઈ. બન્ને કેમ્પસ, સરદાર વલ્લભભાઈ પટેલ કેમ્પસમાં કાર્યકારી કુલપતિ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યઓ, કોર્ટના સભ્યો, આચાર્યો, ભવનોના અધ્યક્ષો, અધ્યાપકો, અધિકારીગણ, કર્મચારી પરિવાર અને ભાવનગરની તમામ કોલેજો-ભવનોના ૯૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા સમગ્ર કેમ્પસ સ્વચ્છતા કરવાના અભિયાનનો પ્રારંભ કર્યો. ૭ર એકર જગ્યામાં ૧ર૦૦ કિલો પ્લાસ્ટીક, કચરો, બિનજરૂરી ચીજવસ્તુઓ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ કચરો એકત્રિત કરવાની કાળીબેગમાં ભરી ટ્રેક્ટર મારફત યોગ્ય જગ્યાએ નિકાલ કરેલ. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તેમજ વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિતમાં ભાવનગર મહાપાલિકા અને તક્ષશીલા કોલેજના સહયોગથી યુનિવર્સિટીના મહાત્મા ગાંધી કેમ્પસ અને સરદાર વલ્લભભાઈ પટેલ કેમ્પસમાં તા.રજી ઓક્ટોબરના રોજ સવારે ૬-૩૦ થી ૭-૩૦ સુધી પ્રભાત ફેરી સહકારી હાટ, ભાવનગરથી શામળદાસ આર્ટસ કોલેજ સુધી યોજાઈ હતી. સવારે ૭-૩૦ થી ૮-૦૦ સુધી સર્વધર્મ પ્રાર્થના શામળદાસ આર્ટસ કોલેજના વિવેકાનંદ હોલમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વિશાળ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ.

આ કાર્યક્રમોમાં ગુજરાત રાજ્ય સરકારના કેબીનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી આ પ્રસંગે પોતાનું વક્તવ્ય આપતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શોને વળગી રહેતા જણાવેલ કે, ગાંધી જયંતિ એક દિવસ નહી હર ક્ષણે ઉજવીએ, પૂજ્ય બાપુ આપણી વચ્ચે સદેહ નથી પરંતુ તેમના આદર્શો આપણી વચ્ચે જ છે. બાપુની સ્વચ્છતાની વિચારધારાને વડાપ્રધાનએ વેગ આપવા અપીલ કરેલ અને સમગ્ર રાષ્ટ્રમાં આ બાબત સહુ વિચારતા થયા છે. સ્વચ્છતાની સાચી સમજણ કેળવાય તે ખૂબ જ જરૂરી છે. મંત્રીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિને અનુરોધ કરતા જણાવેલ કે, રાજકોટ ખાતે ગાંધી મ્યુઝિયમને જોવા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ સરદાર પટેલ સ્ટેચ્યુની મુલાકાત કરાવવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને વિદ્યાર્થીઓમાં તેમના જીવનના આદર્શો જીવનમાં ઉતરે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

Previous articleશામળદાસ કોલેજ અને ઇસ્કોન કલબ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
Next articleભાવનગર મહાપાલિકા દ્વારા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી