ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી ચુકી છે ત્યારે ચૂંટણીમાં ખર્ચને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ગુજરાતમાં કોઇ પણ ચૂંટણીમાં કેટલો ખર્ચ થયો તે અંગેના આંકડા અંગે માહિતી મેળવી સરળ નથી પરંતુ એમ માનવામાં આવે છે કે આ વખતે ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચનો આંકડો સરળતાથી ૫૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. ભારતીય ચૂંટણી પંચે પોતે ૨૫૦ કરોડ રૂપિયાનુ બજેટ મુક્યુ છે. જ્યારે રાજકીય પક્ષો આશરે ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારીંમાં છે. પાર્ટી ઉપરાંત ઉમેદવાર પોતે પણ નોંધપાત્ર રકમ ચૂંટણી દરમિયાન ખર્ચ કરે છે. જે પાર્ટી એકાઉન્ટમાં સામેલ કરવામાં આવતી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વ્યક્તિગત ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા ૨૮ લાખ રાખવામાં આવી છે. ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ગુજરાત બીબી સ્વેન કહી ચુક્યા છે કે વર્ષ ૨૦૧૨માં આશરે ૧૭૫ કરોડ રૂપિયા ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા ખર્ચ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૧૨૪ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસે ૭૨.૬૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ચૂંટણી કમીશનના આંકડા મુજબ આ મુજબની વાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૨માં ચૂંટણી માટે કોંગ્રેસને ડોનેશન તરીકે ૭૧.૫૩ કરોડ રૂપિયા મળ્યા હતા. ચૂંટણી પંચને સુપ્રત કરવામાં આવેલા ચૂંટણી ખર્ચના ખાતા મુજબ ભાજપ રાજ્ય એકમે ૧૭૦ કરોડ દર્શાવ્યા હતા. ભાજપને ૫૩.૨૯ કરોડ રૂપિયા ડોનેશન રૂપે મળ્યા હતા. આ વખતે વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારીમાં રાજકીય પક્ષો લાગેલા છે. જાણકાર લોકો માને છે કે પ્રચાર માટે પ્રતિ મતવિસ્તાર ૫૦થી ૬૦ લાખ રૂપિયાની જરૂર કોંગ્રેસ પાર્ટી અનુભવે છે. આ વખતે ખર્ચનો આંકડો વર્ષ ૨૦૧૨ના ખર્ચના આંકડાને સરળરીતે પાર કરી જાય તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી ૧૦૯ કરોડથી વધારે રકમ ખર્ચ કરે તેવા અંદાજ છે. જ્યારે ભાજપ ૨૦૦ કરોડની આસપાસનો ખર્ચ કરી શકે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેની ગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ચૂંટણી ખર્ચને લઇને હમેશા ચર્ચા રહી છે. ભાજપના પીઢ નેતા અને પાર્ટીના ખજાનચી સુરેન્દ્ર પટેલ કહી ચુક્યા છે કે, હજુ સુધી અંદાજ નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ ૨૦૧૨માં જે નાણા ખર્ચ કરવામાં આવ્યા હતા તેની સરખામણીમાં બે ગણી રકમ હોઈ શકે છે. આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ રહી શકે છે. ૨૦૧૨માં ૧૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી પણ આવા જ અભિપ્રાય ધરાવે છે.