ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાંચ દિવસના સંગઠનાત્મક ઝંઝાવતી પ્રવાસના પ્રથમ દિવસે જ કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા અને વિકાસના મુદ્દે ચૂંટણી લડવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૩/૪ બહુમતિ સાથે જીત મેળવશે તેવો દાવો પણ કર્યો હતો. અમિત શાહે રાહુલને પાંચ સણસણતા પ્રશ્નો પણ કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી એનજીઓના ખોટા આંકડા રજૂ કરીને રાજ્યની પ્રજામાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. અમિત શાહના આજથી પ્રારંભ થયેલા પાંચ દિવસના સંગઠનાત્મક ઝંઝાવાતી પ્રવાસના પ્રથમ દિવસે તેઓએ ગાંધીધામ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીમાં ભાજપ ૩/૪ બહુમતિ સાથે વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ કોંગ્રેસ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે દેખાય છે. ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ જાય છે ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ુપાધ્યક્ષ રાહુલ જ્યારે આવે છે ત્યારે ગુજરાતની જનતાને કેટલાક પ્રશ્નોના જવાબ આપે તેવી પણ માંગણી કરી હતી. રાહુલ ગાંધીને સીધા પાંચ પ્રશ્નો કરતા કહ્યું હતું કે, નર્મદા યોજનાની મંજુરી કેમ ના આપી, નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી કેમ નામ આપ, કચ્છને રણ વિસ્તારની સ્પેશિયલ ગ્રાન્ટ કેમ ન આપી, પાટનગર ગાંધીનગરને કેન્દ્રની ગ્રાન્ટ કેમ નહોતી આપી અને ગુજરાતને ક્રૂડ ઓઇલ-ગેસ રોયલ્ટીની ગ્રાન્ટમાં વર્ષો સુધી અન્યાય કેમ કર્યો હતો. તેઓએ પત્રકારોને સંબોધનમાં જણાવ્યું હતું કે, ૧૯૯૦થી ૨૦૧૭ સુધી નગરપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ભાજપા હમેશા જીતતું આવ્યું છે, ગુજરાતની જનતાને ભાજપને પ્રેમ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, ભાજપનું સંવર્ધન અને પરામર્જન કર્યું છે. ભાજપ તેનો ઋણી છે અને આભારી છે. ૨૦૦૧થી ૨૦૧૪ સુધીનો ગુજરાતની ભાજપ સરકારનો કાર્યકાળ ગુજરાતના વહીવટ, સેવાકીય કાર્યો અને ગુજરાતની વિકાસયાત્રાનો સુવર્ણકાળ રહ્યો છે. ૨૦૧૪ પછી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં એ પરંપરા આગળ વધી છે અને ગુજરાતનું ગૌરવ સતત વધ્યું છે. તેઓએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ૬૦ વર્ષમાં દેશમાં નક્કર કાર્યો ન કરનારી, દેશની પ્રગતિને રુંધનારી કોંગ્રેસ વિકાસના ગ્રોથ એન્જિન ગુજરાતમાં આવી વિકાસના પ્રશ્નો પુછે છે. ત્યારે ગુજરાતની જનતા કોંગ્રેસના ઉપાધ્યક્ષને સ્વાભાવિક પ્રશ્ન પુછે છે કે તમે ૬૦ વર્ષમાં શું કર્યું. પોતાના પરિવારની પરંપરાગત લોકસભાની ઉત્તર પ્રદેશ રાજ્યની અમેઠી અને રાયબરેલી બેઠકોના પ્રજાજનોને વિકાસથી વંચિત રાખ્યા તેનો જવાબ તમારી પાસે છે.
તાજેતરમાં જ અમેઠીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કલેક્ટર કચેરીનું ખાતમુહુર્ત મેં કર્યું છે. પોતાના મતક્ષેત્રની પ્રજાની અપેક્ષા ન સંતોષી શકનાર ગુજરાતમાં વિકાસના પ્રશ્નો પુછે છે. કોંગ્રેસના શાસનમાં ૧૯૯૫ પહેલા ગુજરાતની જે સ્થિતિ હતી અને ૧૯૯૫ બાદ ગુજરાતમાં થયેલી પ્રગતિની સિલસિલાબદ્ધ વિગતો આપતા અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતે ભાજપના શાસનમાં વિકાસના ક્ષેત્રે હરણફાળ સિદ્ધિ હાસલ કરી છે. કોંગ્રેસના નેતાઓ ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારને પ્રશ્નો પુછે છે ત્યારે મારે તેમને જણાવવું છે કે, કોંગ્રેસના નેતાઓને વિકાસ કેમ દેખાતો નથી. કોંગ્રેસનેતાઓ અને રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે ત્યારે જે આંકડાઓ રજૂ કરે છે તે ચકાસીને રજૂ કરે, કોઇએ આપેલી ખોટી માહિતીઓ રજૂ કરીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે ન દોરે, જુઠ્ઠાણાં ન ફેલાવે. અમિત શાહે કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે, ૬૦ વર્ષમાં થયેલી કામગીરી અને ૩ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં થયેલી કામગીરીની સરખામણી કરે, દેશ ભાજપાની સરકારની પ્રજાકલ્યાણલક્ષી કામગીરી સમજી ગયો છે. કોંગ્રેસને પણ સત્ય સમજાઈ જશે.