રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન પૂરું પાડવામાં આવે છે. પરંતુ તમામ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન મળતુ ન હોવાની પોલ સરકારના જ આંકડાઓએ ખોલી છે.
મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ રાજ્ય સરકારે તૈયાર કરેલી ઓફિસિયલ વેબસાઇટમાં ૩૩,૦૩૦ સ્કૂલો અને ૫૨,૮૪,૦૩૯ બાળકોને મધ્યાહ્ન ભોજન આપવામાં આવતુ હોવાનું દર્શાવાયું છે. જ્યારે બીજી તરફ સર્વશિક્ષા અભિયાનના આંકડા અંતર્ગત રાજ્યમાં કુલ ૩૩,૭૮૮ સ્કૂલો આવેલી છે જે સ્કૂલોમાં કુલ ૫૪,૫૬,૫૧૬ બાળકો અભ્યાસ કરે છે.
ઉપરાંત ૬૮૮ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમા કુલ ૧,૮૯,૪૬૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમ સરકારના જ બે આંકડાઓને જોતા હજુ સુધી રાજ્યની ૧,૪૪૬ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના ૩,૬૧,૯૩૯ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન પૂરું પાડવામાં સરકાર નિષ્ફળ નિવડી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ અંગે મધ્યાહ્ન ભોજનાના સંયુક્તિ નિયામકે જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ કોઈ એક મોટી સ્કૂલમાં મધ્યાહ્ન ભોજન તૈયાર થતુ હોય અને તેના દ્વારા બીજી સ્કૂલોના વિદ્યાર્થીઓને અપાતુ હોય છે જેના કારણે સંખ્યામાં તફાવત હશે. પરંતુ હકીકત એ છે કે, સ્કૂલોનું રજિસ્ટ્રેશન ડાયસ કોડના આધારે થતુ હોય છે અને સર્વશિક્ષા અભિયાનમાં પણ ડાયસ કોડના આધારે જ સ્કૂલોની ગણતરી થતી હોય છે તેવુ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી પ્રાથમિક સ્કૂલોમાં બાળકોને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે જોકે ચાલુ વર્ષે તેના વિવિધ મેનુમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ વર્ષ-૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે ગ્રાન્ટેડ સ્કૂલના બાળકોને પણ મધ્યાહ્ન ભોજન આપવાનો આદેશ કર્યો હતો. જેની સાથે સાથે શક્ય હોય તો ખાનગી સ્કૂલોના બાળકોને પણ મધ્યાહ્ન ભોજન આપવાનો નિર્દેશ કર્યો હતો.
થોડા વર્ષ પહેલાં જ સરકાર દ્વારા સ્કૂલોના અપાતા મધ્યાહ્ન ભોજનની રોજેરોજની માહિતી એકત્રિત કરવા માટે એક વેબસાઇટ તૈયાર કરી છે જેમાં સ્કૂલોની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યા દર્શાવી છે. જોકે આ આંકડાઓ અને સર્વશિક્ષા અભિયાનના આંકડાઓ પરથી ઘટસ્ફોટ થયો છે કે હજુ ૧,૪૪૬ સ્કૂલો અને ૩,૬૧,૯૩૯ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન મળતુ નથી.
બીજી તરફ આ વેબસાઇટમાં રાજ્યની કોઈપણ સ્કૂલ પર ક્લિક કરવામાં આવે તો તેમાં પ્રિન્સિપાલનું નામ અને મોબાઇલ નંબર તમામાં એક સરખા જ જોવા મળે છે.