ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કૉંગ્રેસમાં હાલ ઉમેદવારોની પસંદગીની આખરી કવાયત ચાલી રહી છે. કૉંગ્રેસે ૧૦૦ ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે અને ૮૨ બેઠકોના ઉમેદવારોની પસંદગી અંગે આખરી કશ્મકશ ચાલી રહ્યો છે. ભાજપ દ્વારા પણ ઉમેદવારોના નામની પેનલો તૈયાર કરી દેવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ પહેલા જ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ સાચો ચૂંટણીનો રંગ જામશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં ભાજપની બેઠકો ઘટે તો પણ આબરૂ જાય તેમ છે. એટલે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. દિવાળી પર્વ દરમિયાન ગુજરાતમાં લાંબા રોકાણ બાદ અમિત શાહ ફરીવાર ગુજરાતના પાંચ દિવસના પ્રવાસે આવીને કચ્છ-સૌરાષ્ટ્રમાં બેઠકોનો દોર કરી રહ્યા છે. દેશના નાણાં પ્રધાન અરુણ જેટલી પણ શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બીજી બાજુ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દક્ષિણ ગુજરાતની મુલાકાત એકંદરે સફળ રહી હતી. તેના રોડ-શો અને જાહેરસભામાં જનમેદની ઉમટી પડી હતી. કૉંગ્રેસ પણ આ વખતે એલર્ટ મોડમાં છે. વિધાનસભાની – ૨૦૧૭ની ચૂંટણીમાં આ વખતે રાજ્યમાં સતત ૨૨ વર્ષથી શાસન કરતા ભાજપને એન્ટી ઇન્કમલન્સી, મોંઘવારી, પાટીદાર ફેક્ટર સહિત અનેક મુદ્દાઓને લઈને કપરા ચઢાણ સાબિત થાય તેવી શક્યતા છે. કૉંગ્રેસ કેટલો લાભ મેળવી શકે છે તે તો સમય જ કહેશે.