ગુજરાતના વધુ કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ મોનસુનની વિદાય થઇ રહી છે ત્યારે કેટલાક ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે સતત બીજા દિવસે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો. સુરત, ભરુચ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. ઘણી જગ્યાએ કરા પણ પડતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. સુરતથી પ્રાપ્ત અહેવાલ મુજબ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ભાદરવા મહિનામાં પણ બફારાની સ્થિતિ વચ્ચે બપોરના ગાળા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. સુરતમાં અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ પણ મળ્યા છે જેથી ફાયર બ્રિગેડની ટુકડીઓ તરત પહોંચી હતી. આજે બપોરે વિજળીના કડાકા ભડાકા સાથે જોરદાર પવન સાથે મધ્યમ વરસાદ થયો હતો જેથી કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા હતા. ચોમાસાના અંતિમ તબક્કામાં આ વરસાદ થઇ રહ્યો છે. શહેરમાં બે દિવસ અગાઉ અને ગઇકાલે પણ વરસાદ પડ્યો હતો. આ વરસાદના લીધે નવરાત્રિના આયોજકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કચ્છમાં ૮૯ ટકા વરસાદની ઘટ રહી છે અને માત્ર ૨૬.૫૧ ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સરેરાશ ૭૬.૬૧ ટકા વરસાદ થયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. બીજી બાજુ હવામાનના કહેવા મુજબ દક્ષિણમાં હળવા વરસાદી ઝાપટા જારી રહી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી નોંધાયું હતુ ંજ્યારે ભુજમાં સતત ત્રીજા દિવસે પારો ૪૧ રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં પારો ૪૦ રહ્યો હતો. ગઇકાલે મંગળવારના દિવસે દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવાના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો હતો.
પ્રવાસી સ્થળ ગણાતા સાપુતારામાં પણ વરસાદ થયો હતો જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી બાજુ મોનસુનની સિઝન પૂર્ણ થઇ રહી છે ત્યારે તાપમાનમાં ફરી એકવાર વધારો નોંધાતા હવામાન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. ભુજમાં પારો આજે સતત ત્રીજા દિવસે ૪૧ રહ્યો હતો.
વરસાદ વચ્ચે ગરમીનો પ્રકોપ રહ્યો છે. રાજ્યમાં મોનસુનની વિદાય થયા બાદ હવે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વલસાડમાં પણ વરસાદી માહોલ આજે જોવા મળ્યો હતો. સુરત નજીકના વિસ્તારોમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. આ વર્ષે નોર્મલ કરતા ઓછો વરસાદ રહ્યો છે. જો કે, દેશના ૨૫૧ જિલ્લામાં દુષ્કાળનું સંકટ છે. દેશમાં વરસાદી સિઝન પહેલી જૂન ૨૦૧૮ના દિવસે મોનસુનની શરૂઆત થયા બાદથી ૧૧૭ દિવસ સુધી રહી છે જેમાં લોંગ ટર્મ એવરેજના માઇનસ નવ ટકા વરસાદ રહ્યો છે. આઈએંમડી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. ૧૯મી સપ્ટેમ્બર સુધી આ આંકડો માઇનસ ૧૦ ટકાનો રહ્યો હતો. દક્ષિણ પશ્ચિમ મોનસુન ભારતમાં વાર્ષિક વરસાદના ૭૦ ટકાની આસપાસ છે અને કૃષિ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. ભરુચના જંબુસરમાં આજે કરા સાથે વરસાદ થતાં ઉત્તેજના ફેલાઈ હતી. બીજી બાજુ વરસાડ, સાપુતારા, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જારી રહ્યો હતો.
અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં તોફાની પવનો સાથે વરસાદ
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પણ મોડી સાંજે હળવો વરસાદ થયો હતો. વાવાઝોડા સાથે વરસાદના લીધે વૃક્ષો પણ પડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ થયો હતો જેમાં બાપુનગર, રખિયાલ, નરોડા, હાટકેશ્વર, ગોમતીપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં પવન સાથે સાંજે વરસાદ થયો હતો. બીજી બાજુ શહેરના દિલ્હી દરવાજા, પ્રેમદરવાજા વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. હળવા વરસાદી છાંટાના લીધે પણ ઉત્તેજના ફેલાઈ હતી. બીજી બાજુ અમદાવાદ શહેરમાં તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી રહ્યું હતું. આવતીતકાલે પણ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. જો કે, અમદાવાદમાં રહેતા લોકો બફારા વચ્ચે મોનસુનની વિદાય વેળા પણ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમી પણ અનુભવાઈ રહી છે. પાટનગર ગાંધીનગરમાં આજે પારો ૩૪.૨ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં આ વર્ષે ખુબ ઓછો વરસાદ નોંધાયો છે. જેથી તંત્રમાં ચિંતા પ્રવર્તી રહી છે. જો કે, પાણીના જથ્થામાં લોકોમાં કોઇ કાપ ન મુકાતા હજુ કોઇ વિવાદ થયો નથી.