રાજુલા-મહુવા હાઈવે પર જુદા-જુદા બે વાહન અકસ્માત : પાંચને ગંભીર ઈજાઓ

887
guj1162017-1.jpg

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર માતેલા સાંઢની જેમ દોડતા વાહનો અને ડ્રાઈવરોની બેફિકરાઈનો ભોગ નાના વાહન ચાલકોને બનવું પડી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને રોક લગાવવો બન્યું જરૂરી. રાજુલા-મહુવા હાઈવે પર બે અકસ્માતમાં પાંચને ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માતનો પ્રથમ બનાવ રાજુલાના નિંગાળા-૧ પાસે ગતરાત્રિના ૧૧-૩૦ વાગ્યાના સુમારે મહુવાથી રાજુલા જઈ રહેલ મેજીક વાન જીજે૧૪ડબલ્યુ ર૦રને અજાણ્યા ટ્રક ચાલક દ્વારા ટક્કર મારતા મેજીક ડ્રાઈવર સરકેશગીરી રમેશગીરીને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ની મદદથી પ્રથમ રાજુલા અને વધુ સારવાર માટે મહુવા રીફર કરવામાં આવ્યા છે તથા મેજીકમાં રહેલ બીજા બે મુસાફરને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મેજીક ડ્રાઈવર ફસાતા અહીંના આગેવાન કમલેશભાઈ મકવાણા તથા અન્ય યુવાનો દ્વારા મહામુસીબતે કાઢવામાં આવ્યા હતા અને અન્ય અકસ્માતનો બનાવ રાજુલાના કથીવદર ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં મહુવાથી રેતી ખાલી કરીને પરત આવતું ડમ્પર જીજે૧૧યુ ૯૯૧૯ના ચાલક દ્વારા સામેથી આવી રહેલ બાઈક નં.જીજે૧૪પી ર૭૯૦ને રોંગ સાઈડમાં જઈ ઓવરટ્રેક કરવામાં અડફેટે લેતા મહુવા જઈ રહેલ બાઈક સવાર લક્ષ્મણભાઈ ગભાઈ ઉ.વ.૪૦ તથા અલ્પેશભાઈ લાલજીભાઈ ઉ.વ.૩૦ને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના પાયલોટ બાલુભાઈ ગોહિલ અને ઈએમટી દક્ષાબેન ચૌહાણ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે મહુવા હનુમંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા જ કમલેશભાઈ મકવાણા, હરસુરભાઈ લાખણોત્રા સરપંચ, મંગાભાઈ ધાપા સહિતના આગેવાનો દોડી ગયા હતા અને મરીન પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous articleસરખેશ્વર મહાદેવના સાનિધ્યમાં હિરાભાઈ દ્વારા સ્નેહમિલન યોજાયું
Next articleસિહોરમાં યુવા કોંગ્રેસની બેઠક યોજાઈ : નવા યુવાનો જોડાયા