તાજેતરમાં જ ગુજરાતમાં થયેલા સિંહોના મૃત્યુ મામલે હાઈકોર્ટે પણ નોંધ લીધી છે, ત્યારે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા સિંહોના મૃત્યુ મામલે મુખ્યપ્રધાન વિજય રુપાણીને લેટર લખીને ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યાં છે.
આ લેટરમાં ધારાસભ્ય પૂંજા વંશે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા છે, તેમણે લખ્યું છે કે, વન વિભાગ સિંહોના મૃત્યુ માટે મનઘડત કારણો આપીને સમગ્ર મુદ્દાને રફેદફે કરવા માગતું હોય તેમ જણાય છે. વન વિભાગ દ્વારા સિંહોના રક્ષણ માટે જે કામગીરી થવી જોઈએ તે થઈ નથી. આ ઉપરાંત સિંહોને જુદા જુદા પ્રકારના વાયરસને કારણે નુકશાન થતું હોવા છતાં વન વિભાગ દ્વારા હજું સુધીમાં કોઈ નકકર કામગીરી કે પગલાં લેવામાં નથી આવ્યાં.તેમણે વધુમાં લખ્યું છે કે, ભવિષ્યમાં સિંહોમાં કોઈ ગંભીર બીમારી આવે તો શું કરવું તે હેતુંથી વર્ષ ૨૦૦૭માં ગીરના સિંહો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી વન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજ્જ લેબ હોવી જોઈએ તે નથી. પરિણામે સમયસર સિંહોની સારવાર નથી થઈ સકતી.
તેના કારણે મોટી સંખ્યામાં સિંહોના મોત થઈ રહ્યાં છે.
સિંહોને ઉશ્કેરવામાં ન આવે તો તે કદી પણ માનવજાત પર હુમલો કરતા નથી.ગીર જંગલના નેસડામાં વસતા માલધારીઓ સિંહોના પ્રોત્સાહક અને પાલક હતાં, તે માલધારીઓને અભ્યારણ્યની બહાર કરાય છે, તેના કારણે સિંહો ખોરાક પાણીની શોધમાં જંગલ વિસ્તારની બહાર વિહાર કરતા થઈ ગયાં છે. મુળ ગીરમાં સિંહોની સંખ્યા કરતાં ગીર બોર્ડરના બહારના રેવેન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધારે છે.