રાજ્ય સરકાર દ્વારા કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણોની લેણી નીકળતી રકમ ભરપાઇ કરવાના મામલે મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ, ગુજરાત સરકારે વીજ જોડાણોની લેણી નીકળતી માફી યોજના હવે તા.૩૧ ડિસેમ્બર-૨૦૧૮ સુધી લંબાવવાની જાહેરાત કરાઇ છે. આ યોજના અંતર્ગત કપાયેલા વીજ જોડાણોમાં વીજ બીલના ૫૦ ટકા રૂપિયા અને વ્યાજની સંપૂર્ણ માફી આપવામાં આવે છે. આ યોજનાનો તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧ લાખ ૩૬ હજાર ગ્રાહકોએ લાભ લીધો છે. જેને કારણે વીજ વિતરણ કંપનીઓને ૫૧.૮૮ કરોડની વસુલાત થઈ છે. સરકારની આ પ્રોત્સાહક યોજનાને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને લઇ જાહેરજનતાના હિતમાં વીજ બીલ માફીની યોજનાની મુદત લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. વીજ બીલ માફી યોજના અઁગે રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીના આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજ જોડાણોમાં ઘર વપરાશના બી.પી.એલ. અને નોન બી.પી.એલ વીજ ગ્રાહકો તેમજ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલની રકમના ૫૦ ટકા અને વ્યાજમાં સંપૂર્ણ માફી માટે એમ્નેસ્ટી સ્કીમ-૨૦૧૭ અગાઉ જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઉપરાંત બીન ગ્રાહકો, વાણિજ્યિક, ઔદ્યોગિક અને વોટર વર્કસના વીજ ગ્રાહકો અને બીન ગ્રાહકો તથા સ્ટ્રીટ લાઇટ અને જનરલ પર્પઝ લાઇટ ટેરિફ ધરાવતા વીજ ગ્રાહકો માટે વ્યાજમાં સંપૂર્ણ માફીને પણ આ સ્કીમમાં આવરી લીધા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં આ યોજનાને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને પરિણામે, મુખ્યમંત્રીએ ગ્રાહક સંવેદના સ્પર્શી અભિગમ સાથે આ યોજનાની મુદ્દત વધુ ત્રણ માસ માટે એટલે કે તા.૧ ઓકટોબર-૨૦૧૮થી તા.૩૧ ડિસેમ્બર-૨૦૧૮ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, રાજ્યની વીજ વિતરણ કંપનીઓના જુદા જુદા ગ્રાહકો પાસે વીજ બીલના નાણાં બાકી રહેવાના કારણે કે અન્ય કારણોસર જેમના વીજ જોડાણો તા.૩૧-૮-૨૦૧૭ સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલા હોય તેવા ગ્રાહકો માટે મુખ્યમંત્રીએ માફી યોજના ૨૦૧૭ જાહેર કરી હતી. તેમજ ઘર વપરાશના વીજગ્રાહકો-બી.પી.એલ. અને નોન બી.પી.એલ એમ બન્ને જો ૩ માસની અંદર મુદ્દલ રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં ૫૦ ટકા માફી સાથે સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવે છે.
તે જ પ્રમાણે ખેતીવાડી ગ્રાહકોને પણ આ લાભ આપવામાં આવે છે. આ સિવાય અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો ૩ માસમાં મુદ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાંથી પૂરેપૂરી માફી આપવામાં આવે છે. આ યોજના હેઠળ અગાઉની તા.૩૧-૮-૨૦૧૭ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્થાને તા.૩૧-૫-૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ અને યોજનાની મુદ્દત તા.૨૪-૭-૨૦૧૮ના રોજ પૂર્ણ થતી હતી, તેને તા.૩૦-૯-૨૦૧૮ સુધી વધારવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી આ યોજનાની મુદ્દતમાં વધારો થવાને પરિણામે ૧ લાખ ૩૬ હજાર ૨૯૪ ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો છે. માત્ર એટલું જ નહિ, વીજ વિતરણ કંપનીઓને રૂ. ૫૧.૮૮ કરોડની રકમની વસુલાત પણ આ યોજના અન્વયે થઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૯૬ માફી મેળાઓ યોજીને વીજ બિલની રીકવરીનું પ્રમાણ વધારવા અને ડિફોલ્ટરોની સંખ્યા ઘટાડવામાં ઊર્જા વિભાગને સફળતા મળી છે. સરકારની આ મહત્વની જાહેરાતને પગલે પ્રજાજનોનામાં ભારે રાહતની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.