ગીરમાં સિંહોના મોતના મામલે ભારે ખળભળાટ મચેલો છે. તપાસમનો દોર જોરદારરીતે ચાલી રહ્યો છે. ઇન્ફેક્શનના પરિણામ સ્વરુપે એક પછી એક ટપોટપ ૨૩ સિંહોના મોત બાદ વન્ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. વન્ય વિભાગે આજે દાવો કર્યો હતો કે, આજે કોઇપણ સિંહનું મૃત્યુ થયું નથી. બીજી બાજુ અમેરિકામાંથી મંગાવવામાં આવેલી રસીનો જથ્થો આવતીકાલે જુનાગઢમાં પહોંચશે. બીજી બાજુ ૩૦૦થી વધુ ડોઝની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દવાના જથ્થાને માઇનસ ૧૬ ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવનાર છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં રહેલા ૧૦૦ ગામોમાં ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય થઇ ચુક્યો છે. એક પછી એક સિંહોના મોત બાદ હાલમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઇન્ફેક્શનના કારણે સિંહોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યું છે. ૬૦૦થી વધુ સિંહ હાલમાં હોવાનો અંદાજ મુકવામાં આવી ચુક્યો છે. હજુ પણ ઘણા સિંહ બિમાર અવસ્થામાં હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી બાજુ વન વિભાગ દ્વારા જ સિંહ દર્શન માટે અપાતા માંસાહારમાં રસાયણો નાખી સિંહોને અર્ધબેભાન અવસ્થામાં લાવીને સિંહ દર્શન નજીકથી કરાવવામાં આવતો ગંભીર આક્ષેપ ખુદ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન પુંજા વંશે કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. સિંહોના મોત મામલે વનવિભાગના અધિકારીઓ સામે જ બેદરકારીનો આરોપ અને શંકાની સોંય તાકતાં વંશે ઉમેર્યું કે, તેઓ(આવા વનઅધિકારીઓ) ગ્રુપમાં કે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૫-૧૦ હજાર જેટલી રકમ પડાવે છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી તેમણે રજૂઆત કરી છે, તેમણે સિંહોના અકુદરતી મૃત્યુ તેમજ વન વિભાગની બેદરકારીને ગંભીરતાથી લઇ ભવિષ્યમાં આવા બનાવ ના બને તે માટે વન્ય જીવનના નિષ્ણાતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવી બેજવાબદાર વન અધિકારીઓ સામે પગલા ભરવા ઉગ્ર માંગણી કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન પુંજા વંશ દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખી આ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતની ઓળખ સમાન ગીરના એશિયાટિક સિંહો માનવસર્જિત દુર્ઘટનામાં ગુમાવવા પડે તે યોગ્ય નથી. કોઈ સિંહ ઉંમરના કારણે મૃત્યુ પામ્યા નથી ત્યારે વન વિભાગ મનઘંડત કારણો બતાવી વાસ્તવિકતાને રફેદફે કરવા માંગે છે. જુદા જુદા વાયરસ તેમજ શ્વાસનળી, ફેફસા અને લીવરને નુકશાન થતું હોવા છતાં વન વિભાગ દ્વારા નક્કર કામગીરી સાથે રખેવાળી કરવામાં આવતી નથી. સિંહોના અકુદરતી મૃત્યુ થાય નહીં તે માટે વર્ષ ૨૦૦૭માં સંશોધન કરવામાં આવ્યું હતું, પરંતુ વન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજ્જ લેબ પણ નથી. તેમણે બિનકાયદેસર સિંહ દર્શનનો મોટો વ્યવસાય ચાલી રહ્યો હોવાનું જણાવતા કહ્યું કે, વન વિભાગ દ્વારા જ સિંહ દર્શન માટે અપાતા માંસાહારમાં રસાયણો નાખી સિંહોને અર્ધબેભાન અવસ્થામાં લાવવામાં આવે છે. તેના કારણે સિંહ દર્શન નજીકથી થઇ શકે અને તે માટે રૂપિયા ૫-૧૦ હજાર જેટલી રકમ પડાવવામાં આવે છે. અગાઉ પણ સિંહોને રંજાડતા અને મુરઘી બતાવી પરેશાન કરતા વીડિયો વાયરલ થયા પછી સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું છે કે, વન વિભાગના અધિકારીઓની બેદરકારીથી એશીયાઇ સિંહોનું વતન ગીર લુપ્ત થઇ જાય તેવો ભય ઊભો થયો છે. ત્યારે રાજ્ય સરકારે સમયસર રિવ્યુ સાથે પગલા લીધા હોત તો એકસાથે ૨૩ સિંહો મોતના મુખમાં જતા અટકાવી શકાયા હોત. તેમણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવા સરકારને અનુરોધ કર્યો હતો.