ભારતમાંથી પરત મ્યાનમાર મોકલવામાં આવી રહેલા સાત રોહિગ્યા શરણાર્થીઓને રોકવાની માંગ કરીને દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભુષણ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ સંબંધમાં અરજી દાખલ કરી હતી. પ્રશાંત ભૂષણે આ મામલાની સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટને રોહિગ્યાઓના જીવનના અધિકારની સુરક્ષા કરવાની પોતાની જવાબદારી અંગે ધ્યાન રહે તે જરૂરી છે.
આના પર ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે અમને અમારી જવાબદારી અંગે સંપૂર્ણ માહિતી છે. આને કોઇ વ્યક્તિ યાદ અપાવવાના પ્રયાસ ન કરે. કેન્દ્ર સરકાર સાત રોહિગ્યાને આજે ફરીથી મ્યાનમાર મોકલી રહી છે. આ મામલામાં પ્રશાંત ભુષણ તરફથી ન્યાયિક દરમિયાનગીરીની માંગ કરવામાં આવી હતી. પ્રશાંત ભુષણની અરજી પર ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી બેંચને કહેવામાં આવ્યુ હતુ કે સાત રોહિગ્યા વર્ષ ૨૦૧૨માં ભારતમાં ઘુસી ગયા હતા. તેમને ફોરેન એક્ટ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસીટર જનરલ તુપાર મહેતા દ્વારા દલીલો કરવામાં આવી હતી. મહેતાએ દલીલો કરતા કહ્યુ હતુ કે મ્યાનમારે આ તમામને પોતાના નાગરિક તરીકે સ્વીકારી લીધા છે. સાથે સાથે તેમને પરત લેવા માટે પણ તૈયાર છે. જેથી તેમને પોતાના દેશ જતા રોકવામાં આવે તે માટે કોઇ કારણ નથી. સુનાવણી દરમિયાન પ્રશાંત ભુષણે કહ્યુ હતુ કે રોહિગ્યાઓને બળજબરીપુર્વક પરત મોકલી દેવામાં આવી રહ્યા છે. પ્રશાંત ભુષણની તમામ દલીલોને ફગાવી દેવામાં આવી હતી.