ICICIના એમડી તરીકે ચંદા કોચરે આખરે રાજીનામુ આપ્યું

663

આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરે તાત્કાલિક પ્રભાવથી અમલી બને તે રીતે પોતાનું રાજીનામુ આપી દીધું છે. તેમની જગ્યાએ સંદીપ બક્ષી જવાબદારી લેવા જઈ રહ્યા છે. એમડી પદેથી રાજીનામુ આપવામાં આવ્યા બાદ કોર્પોરેટ જગતમાં આને લઇને આજે ચર્ચા જોવા મળી હતી. બેંકના બોર્ડ દ્વારા સમય પહેલા પદ છોડી દેવાની તેમની માંગને સ્વીકાર કરવામાં આવ્યા બાદ તેમની જગ્યાએ સંદિપ બક્ષીને મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર બનાવી દીધા છે. બક્ષીની અવધિ પાંચ વર્ષની રહેશે. ત્રીજી ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે તેમની અવધિ પુરી થશે. આઈસીઆઈસીઆઈ બેંકના પ્રમુખ ચંદા કોચર અને તેમના પરિવાર ઉપર મુકવામાં આવેલા અનિયમિતતાના આરોપ બાદ અનેક તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બેંકે રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું છે કે, કોચરની સામે તપાસ ચાલી રહી છે જેના ઉપર કોઇપણ પ્રકારની અસર થશે નહીં. હિતોના સંઘર્ષ અને ફાયદાના બદલે લાભ પહોંચાડવાના મામલામાં સ્વતંત્ર તપાસ કરવામાં આવી રહી છે. ચંદા કોચર અને આઈસીઆઈસીઆઈ બેંકના મામલા સાથે જોડાયેલા મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. આ મામલામાં સેબી ઉપરાંત આરબીઆઈના અધિકારીઓ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ માર્ચમાં જ કોચરના પતિ દિપક કોચરની સામે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એપ્રિલ મહિનામાં ચંદા કોચરના સંબંધી રાજીવ કોચરની પુછપરછ કરવામાં આવી હતી. રાજીવ કોચર દિપક કોચરના ભાઈ છે. આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડ દ્વારા વિસલ બ્લોઅર અરવિંદ ગુપ્તાના આરોપ બાદ સ્વતંત્ર તપાસના આદેશ કર્યા હતા. જે મામલામાં તપાસ ચાલી રહી છે તેમાં વિડિયોકોન ગ્રુપને ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોનનો મામલો સામેલ છે.

આ લોન કુલ ૪૦૦૦૦ કરોડ રૂપિયાના એવા હિસ્સાના ભાગરુપે હતી જેમાં વિડિયોકોન ગ્રુપે એસબીઆઈના નેતૃત્વમાં ૨૦ બેંકો પાસેથી લેવામાં આવી હતી. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ઉપર આરોપ છે કે, તેઓએ ૨૦૧૦માં ૬૪ કરોડ રૂપિયા ન્યુ પાવરને આપ્યા હતા. આ કંપનીને ધુતે દિપક કોચર અને અન્ય બે સંબંધીઓએ સાથે મળીને ઉભી કરી હતી. એવા આક્ષેપ છે કે, ચંદા કોચરના પતિ દિપક કોચર સહિત તેમના પરિવારના સભ્યોને લોન મેળવનાર લોકો તરફથી નાણાંકીય લાભ પહોંચાડવામાં આવ્યા હતા. એવા આક્ષેપ પણ છે કે, આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી બેંકથી લોન મળ્યા બાદ છ મહિના પછી જ ધુતે કંપનીની જવાબદારી દિપક કોચરને સોંપી દીધી હતી.

Previous article૭ રોહિગ્યાને રોકવાની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી
Next articleઇન્ડોનેશિયા ભૂકંપ : મૃતાંક વધી ૧૪૩૦, ઘણા લાપત્તા