રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઇએ રેપો રેટ 6.50 ટકા રાખ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે. તેની સાથે આજે શુક્રવારે રૂપિયો અમેરિક ડોલર સામે સૌથી નીચે ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. રૂપિયાએ રૂ. 74ની ઐતિહાસિક સપાટી તોડી દીધી હતી. આ ઉપરાંત આજે શેરબજારમાં પણ ઘટાડો ચાલુ રહ્યો છે. શુક્રવારે સેન્સેક્સમાં 600 પોઇન્ટ જેટલો કડાકો બોલી ગયો હતો.
ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે નવા વ્યાજદરોની જાહેરાત કરી હતી. જોકે, આ વખતે વ્યાજનાદરોમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં નથી આવ્યો. નિષ્ણાતો એવું માની રહ્યા હતા કે રિઝર્વ બેંક આ વખતે રેપો રેટમાં 25 બેસીસ પોઇન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરી શકે છે.
રિવર્સ રેપો રેટ અથવા જે વ્યાજદરો પર રિઝર્વ બેંક અન્ય કોમર્શીયલ બેંકો પાસેથી પૈસા ઉછીના લે છે તેમાં પણ કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. આ દર 6.25 જ રહ્યો છે.
ગયા મહિને ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડતા એવી આશા રાખવામાં આવી રહી હતી કે રિઝર્વ બેંક રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પરિવર્તન કરશે.