રાજકોટના મેદાન ઉપર રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે નવ વિકેટે ૬૪૯ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ ૧૩૯ રન કર્યા હતા જેમાં ૧૦ ચોગ્ગાનો સમાવેશ થાય છે જ્યારે રવિન્દ્ર જાડેજાએ નિચલા ક્રમમાં આવીને અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા. જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે વિન્ડિઝે છ વિકેટ માત્ર ૯૪ રનમાં ગુમાવી દીધી હતી. વિન્ડિઝના કોઇ બેટ્સમેનો મેદાનમાં ટકી શક્યા ન હતા. ભારત તરફથી સામીએ બે વિકેટ ઝડપી હતી જ્યારે અશ્વિને એક અને જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. કુલદીપે પણ એક વિકેટ ઝડપી હતી વિન્ડિઝ ઉપર હવે ફોલોઓનનું સંકટ તોળાઈ રહ્યું છે. આવતીકાલે પ્રથમ કલાકમાં જ વિન્ડિઝ ઓલઆઉટ થઇ જાય તેમ માનવામાં આવે છે. ૧૮ વર્ષની વયમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર પૃથ્વી પંકજ શોએ શાનદાર દેખાવ કર્યો હતો. ટેસ્ટ પ્રવેશની સાથે જ સદી પૂર્ણ કરનાર તે સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો હતો. શોએ ગયા વર્ષે આ જ મેદાન પર રણજી ટ્રોફી મેચમાં પ્રવેશ કરીને સદી ફટકારી હતી.
અગાઉ ગઇકાલે પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ ૨૦૧૬માં છેલ્લી શ્રેણી રમાઇ હતી. બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૪ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૮ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચજીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંકદરે નબળી દેખાઇ રહી છે. જો કે ટેસ્ટ ક્રિકેટમાં તેની ટીમ કોઇ પણ સમય જોરદાર દેખાવ કરી શકે છે.
ટીમમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી રહેલા છે.વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી.
જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ. વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. તમામ ચાહકો જાણે છે કે ભારત અને વિન્ડિઝ વચ્ચે ક્રિકેટ સંબંધોની શરૂઆતને ૭૦ વર્ષ પુરા થઇ રહ્યા છે. ૧૯૪૮માં ભારત સ્વતંત્ર થયા બાદ વેસ્ટઇન્ડિઝ અને ભારત વચ્ચે નવેમ્બરમાં પ્રથમ શ્રેણી રમાઈ હતી.