પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પદાર્પણ ટેસ્ટમાં સદી ફટકારનાર પૃથ્વી શોના પ્રદર્શનને શાનદાર ગણાવ્યો છે. પરંતુ વીરેન્દ્ર સહેવાગની તુલનાની ખબરોને ફગાવી દીધી છે. તેને કહ્યું કે શૉને હજૂ સમય આપવો જોઇએ. જેથી તે વધારે રન બનાવી શકે. ૧૮ વર્ષના શૉએ તેના પદાર્પણ સમયે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રાજકોટમાં રમવામાં આવી રહેલ પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ૯૯ બોલમાં સદી ફટકારી હતી. પૃથ્વીએ ૧૫૪ બોલમાં ૧૩૪ રન બનાવ્યા. ગાંગુલીએ કોલકત્તામાં કહ્યું, પૃથ્વીની તુલના સહેવાગથી ન કરો. સહેવાગ એક જીનિયસ હતો. તેને હાલ વિશ્વનો પ્રવાસ કરવા દો. મને વિશ્વાસ છે કે તે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકામાં રન બનાવશે. વધુમાં દાદાએ કહ્યું કે પદાર્પણ ટેસ્ટમાં સદી બનાવ્યા બાદ આ તેના માટે એક સાધારણ દિવસ હોવો જોઇએ. તેણે રણજી પદાર્પણમાં પણ સદી ફટકારી હતી. તે સિવાય તેણે દલીપ ટ્રોફીમાં પણ પદાપર્ણ કરતા સદી કરી હતી જેથી આ અસાધારણ છે. ગાંગુલીએ પણ ૧૯૯૬માં લોડ્ર્સમાં ઇંગલેન્ડ વિરુદ્ધ તેના પદાર્પણ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેને કહ્યું કે મે રણજી ટ્રોફીના પદાર્પણ મેચમાં સદી નહોતી ફટકારી. પરંતુ તે સિવાય મે દલીપ ટ્રોફી અને ભારત તરફથી પદાર્પણ મેચમાં સદી ફટકારી હતી.