જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ત્રણ કાર્યકરોને ટાર્ગેટ બનાવીને આજે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બેના મોત થયા હતા અને એકને ઇજા થઇ હતી. હુમલા બાદ તમામ રાજકીય પક્ષોએ આની ઝાટકણી કાઠી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકીઓએ હુમલો કર્યો. કહેવાય છે કે આતંકીઓએ શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં હુમલો કરીને નેશનલ કોન્ફરન્સના બે નેતાઓની હત્યા કરી નાખી. આ નેતાઓમાં મુશ્તાક અહેમદ પણ સામેલ છે.
કહેવાય છે કે આતંકીઓએ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં લગભગ બે લોકો ઘાયલ પણ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ધોળા દિવસે થયેલી આ વારદાતના કારણે વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે જ વિસ્તારને ખાલી પણ કરાવવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણકારી આપતા શ્રીનગરના એસએસપી ઈમ્તિયાઝ ઈસ્માઈલે કહ્યું કે હુમલામાં બે લોકોના મોત થયા છે. આ લોકોનું રાજકીય બેકગ્રાઉન્ડ રહ્યું છે.