ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા નવ ગુજરાતી લોકોના મોત થયા છે. ગુજરાતી લોકોના મોતના પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. ઉત્તર કાશીથી પરત ફરતી વેળા ગુજરાતી લોકોની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. મૃત્યુ પામેલા લોકોમાં સાત પુરુષો અને બે મહિલાનો સમાવેશ થાય છે. દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ બસમાં મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતીઓ હતા. મિની બસમાં ૧૩થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. મૃત્યુ પામેલા લોકોની મોડેથી ઓળખ કરી લેવામાં આવી હતી. રાજકોટના રહેવાસી હોવાનું પ્રાથમિકરીતે જાણવા મળ્યું છે. ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં ભટવાડી નજીક સોનગઢમાં ઉંડી ખીણમાં મિની બસ ખાબકી જતાં નવ લોકોના મોત થઇ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માત સાંજે ચાર વાગે બન્યો હતો. બચાવ અને રાહત કામગીરીમાં તરત જ એસડીઆરએફની ટીમ જોડાઈ હતી. સ્થાનિક ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.
બનાવની જાણ થતાં મૃતકોના પરિવારના સભ્યોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, મોટાભાગના પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંગોત્રી હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે.