’ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ’ શોના હોસ્ટ અને પત્નીની હત્યા મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા સોહેબ ઇલિયાસીને દિલ્હી હાઇ કોર્ટે રાહત આપતા આરોપમાંથી મુક્તિ આપી છે. ૧૭ વર્ષ પહેલા પત્નીની હત્યાના મામલે દોષી પામેલા ટીવી એન્કરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.૧૧ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ સોહેબ ઇલિયાસીની પત્ની અંજુ ઇલિયાસી શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત મળી આવી હતી. તેના શરીર પર ચપ્પાના અનેક ઘા હતા. શરૂઆતમાં અંજુની મોતને આત્મહત્યા માનવામાં આવી પરંતુ અંજુની માતા અને બહેને સોહેબ પર અંજુને આત્મહત્યા કરવા પર મજબૂર કર્યાનો આરોપ મૂકી તેને સજા આપવાની માંગણી કરી હતી. તેમના મુજબ સોહેબ ઇલિયાસી તેની પત્ની અંજુ પાસે દહેજની માંગણી કરતો અને તેની પર ત્રાસ ગુજારતો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સાબિત કરવામાં અસફળ રહી હતી કે આ હત્યાનો મામલો છે કે આત્મહત્યાનો છે. પરંતુ ઘટનાના ચાર વર્ષ પછી દિલ્હી હાઇકોર્ટે સોહેબ પર હત્યાને મામલે કેસ ચલાવાની અંજુની માતાની અરજી સ્વીકારી હતી. જે પછી દોષી સાબિત થતા સોહેબને દિલ્હી હાઇકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
૨૦૦૦માં ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ શોના લીધે સોહેબની કારકિર્દી બુંલદીઓ પર હતી. આ દેશનો પહેલો ક્રાઈમ શો હતો જેમાં ભાગેડુ અપરાધિઓની વિગતો જણાવવામાં આવતી હતી. સોહેબ ઇલિયાસીને એક એવા પત્રકારના રૂપમાં જાણવામા આવતા જેણે ક્રાઇમ જર્નાલિઝમને અલગ દિશા આપી હતી.