અનામત મુદ્દે સુધારા વિકલ્પ સોનિયાને સુપ્રત

728
guj1162017-7.jpg

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પાસના નેતાઓ સાથે તાજેતરમાં યોજાયેલી મહત્વની બેઠકમાં કોંગ્રેસે પાસના નેતાઓની પાંચ માંગણીઓ પૈકી ચાર માંગણીનો સ્વીકાર કરી લીધો હતો અને અનામતનો મુદ્દો ટેકનીકલ અને બંધારણીય મુદ્દો હોઇ નિષ્ણાત તજજ્ઞોની સલાહ લેવાનું નક્કી થયું હતું ત્યાં સુધી હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચેની મુલાકાતનું સસ્પેન્સ યથાવત્‌ રહ્યું હતું. બીજીબાજુ, કોંગ્રેસના સિનિયર નેતા સિધ્ધાર્થ પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને જાણીતા એડવોકેટ બી.એમ.મંગુકીયા આજે દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા અને જાણીતા ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલને મળ્યા હતા. કપિલ સિબ્બલ સહિતના કાયદાવિદોએ અનામતના મુદ્દે જરૂરી સંશોધન કરી યોગ્ય રસ્તો કાઢી નાંખ્યો છે અને તે સીલબંધ કવરમાં કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને સુપ્રત કરી દીધો હતો. હવે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા એકાદ-બે દિવસમાં આ મામલે નિર્ણય જાહેર કરાય તેવી શકયતા છે. બીજીબાજુ, કોંગ્રેસના કાયદાવિદ્‌ તરફથી અનામતના મામલે સંશોધન કરી વૈકલ્પિક રસ્તો કાઢી દેવાતાં હવે પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસ સાથે તા.૮મી નવેમ્બર પહેલા મુલાકાત થાય તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે. અનામતના મુદ્દે કોંગ્રેસ દ્વારા પાસના નેતાઓ સાથેની બેઠક બાદ તરત જ દિલ્હીમાં તેમના કાયદાકીય નિષ્ણાત અને બંધારણવિદ્‌ મહાનુભાવોને જરૂરી સંશોધન કરી રસ્તો કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે છેલ્લા કેટલાક દિવસોથી અનામતના વિષય પર મહત્વની કાયદાકીય અને બંધારણીય કવાયત હાથ ધરાઇ હતી, જેમાં સુપ્રીમકોર્ટના ચુકાદાઓથી માંડી બંધારણીય જોગવાઇઓ સહિતના તમામ પાસાઓનો અભ્યાસ કરી રસ્તો કાઢવામાં આવ્યો છે. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બી.એમ.મંગુકીયા અને કોંગ્રેસના સિનિયર નેતા સિધ્ધાર્થ પટેલ આજે દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતા અને સુપ્રીમકોર્ટના સિનિયર કાઉન્સેલ કપિલ સિબ્બલને મળ્યા હતા. લગભગ સવા કલાક સુધી તેઓની વચ્ચે મહત્વની બેઠક ચાલી હતી. તમામ મુદ્દે ચર્ચા વિચારણા કર્યા બાદ કપિલ સિબ્બલે સીલબંધ કવરમાં અનામત મુદ્દા પરનો સંશોધનાત્મક વિકલ્પ અને ઉપાય કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને સુપ્રત કર્યો હતો, તેથી હવે એકાદ-બે દિવસમાં કોંગ્રેસના હાઇકમાન્ડ દ્વારા તેનું વલણ સ્પષ્ટ કરાય તેવી શકયતા છે. બીજીબાજુ, ગુજરાતમાં હાર્દિક પટેલ આણિમંડળીને પોતાની છાવણીમાં બેસાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે કોંગ્રેસ તા.૮મી નવેમ્બર પહેલાં અનામતના મુદ્દાને લઇ હાર્દિક પટેલ સાથે નવા સંશોધન અને ઉપાયના આધારને લઇ મહત્વની ચર્ચા બેઠક યોજે તેવી પણ શકયતાઓ વર્તાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે પાસના નેતાઓની જે ચાર માંગણીઓ સ્વીકારી છે તેમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોલીસ દ્વારા પાટીદાર સમુદાયના લોકો ખાસ કરીને મહિલાઓ, બાળકો પર જે અત્યાચાર થયા તે પ્રકરણમાં કોંગ્રેસની સરકાર આવશે તો, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાશે અને તેના દ્વારા તપાસ કરાવડાવી જે કોઇ કસૂરવાર હશે તે તમામની સામે કાયદાનુસાર કડક કાર્યવાહી કરાશે, આંદોલન દરમ્યાન રાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહ સહિતના જે કોઇ કેસો હશે તે તમામ કેસો તાત્કાલિક અસરથી પાછા ખેંચાશે, પાટીદાર આંદોલન દરમ્યાન જે લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારજનોને રૂ.૩૫ લાખ સુધીની વળતરની સહાય ચૂકવાશે ઉપરાંત, તેમના એક આશ્રિતને શૈક્ષણિક લાયકાતના આધાર પર સરકારી નોકરી આપવામાં આવશે અને વૈધાનિક રીતે સવર્ણ આયોગની રચના કરવામાં આવશે અને સમાજના આર્થિક પછાત પરિવારોના બાળકોને શિક્ષણ,  સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર માટે રૂ.૨૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે..આ માંગણીઓનો સમાવેશ થાય છે. 

Previous articleગુસ્તાખી માફ
Next articleકોંગ્રેસ રાજકીય રીતે બેકાર બની એટલે બેકારી યાદ આવે છે : રૂપાણી