તાપમાન ૩૮ ડિગ્રીને પાર થતા તિવ્ર ગરમીનો પ્રકોપ

1031

ભાવનગર શહેર-જિલ્લામાં ભાદરવા માસે ભરપુર તાપ-તડકા અને તિવ્ર બફારાના પગલે લોકો વ્યાકુળ બન્યા છે. તાપમાનમાં સતત વધારો થતા આકરા ઉનાળાની યાદ લોકોને તાજી થઈ રહી છે.

શહેરમાં છેલ્લા એક સપ્તાહથી મહત્તમ તાપમાનમાં સતત વૃધ્ધિ થઈ રહી છે. ૩૪ ડિગ્રીથી શરૂ થયેલું તાપમાન આજે ૩૮ ડિગ્રીને પાર પહોંચતા ભાદરવા માસે આકરો ઉનાળો અનુભવાઈ રહ્યો છે. બે દિવસ પૂર્વે જિલ્લાના કેટલાક તાલુકા તથા ગ્રામ્યકક્ષાએ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વલ્લભીપુરમાં સવા બે ઈંચ જેવો વરસાદ પણ થયો હતો પરંતુ વાતાવરણ સ્વચ્છ બનતાની સાથે તિવ્ર તડકો અને ભારે બફારો હાલ અનુભવાઈ રહ્યો છે. સામાન્યતઃ ભાદરવા માસના મધ્ય ભાગે વાતાવરણ ગુલાબી જોવા મળતું હોય છે. ચોમાસાની વિદાય અને શિયાળાનું મંદગતિએ આગમનના કારણે દિવસભર હુંફાળુ વાતાવરણ તથા રાત્રે ઝાંકળ વર્ષા અને ‘ભૂર વા’ (પવન)ને પગલે ઠંડુ વાતાવરણ થતું હોય છે પરંતુ વિદાય લેતા ચોમાસાના સમયે ઋતુચક્રનું જાણે શિર્ષાસન ચાલી રહ્યું હોય તેમ ફરી એકવાર આકરા ઉનાળો અનુભવાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં શિયાળા કે શરદ ઋતુ અનુરૂપ કોઈપણ પ્રકારનો માહોલ જોવા નથી મળી રહ્યો જેને લઈને લોકો વિસ્મયમાં મુકાયા છે તો બીજી તરફ હાલના માહોલે ખગોળપ્રેમીઓને પણ વિચારમગ્ન કર્યા છે. ઋતુ વર્તાના અભ્યાસુઓના જણાવ્યા અનુસાર હાલ વાતાવરણનો પલ્ટો અસાધારણ છે. હવામાંથી ભેજ ઘટી રહ્યો છે આથી કદાચ ચોમાસુ દિવાળી સુધી લંબાશે અને નવરાત્રિના દિવસો દરમ્યાન ખંડવૃષ્ટિના યોગો બળવત્તર બને તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે અરબ સાગરમાં વર્ષો બાદ વિશાળ ચક્રવાત આકાર લઈ રહ્યું છે અને નવરાત્રિના પડાવ દરમ્યાન અથવા ૭ થી ૮ તારીખ ચક્રવાતની સાચી દિશા તથા તેની આગળ વધવાની ગતિવિધિ વિશે ચોક્કસ આગાહી કરી શકાશે.

Previous articleત્રણ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો
Next articleઅક્ષરવાડીમાં મહિલા દિનની ઉજવણી