ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચૂંટણી પંચ અને પોલીસતંત્ર તૈયાર છે. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો પોતાના જિલ્લાના પોલીસવડા સાથે રહી ચૂંટણી શાંત વાતાવરણમાં થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં ગંભીરતાથી આગળ વધી રહ્યાં છે. ચૂંટણી પંચ પણ સતત જિલ્લા કલેક્ટર અને પોલીસવડા પાસેની રોજબરોજની માહિતી એકત્રિત કરવા લાગ્યાં છે.
રાજ્યના કેટલાક જિલ્લામાં કલેક્ટરોએ તો વાહન ચેકિંગ, હથિયાર પરવાનેદારો પાસેથી હથિયાર ૨૦ નવેમ્બર સુધી જમા કરાવવાની કામગીરી અને રેપિડ એકશન ફોર્સ સાથે ફ્લેગ માર્ચ પણ શરૂ કરી દીધી છે. આમ વહીવટીતંત્ર વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કામગીરી કરવામાં વ્યસ્ત છે.
જિલ્લા કલેક્ટરો દ્રારા વહીવટી તંત્ર સિવાયના જિલ્લાના નાનામોટા સંગઠનો સાથે મળી જિલ્લાની રાજકીય અને કાયદાકીય વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જિલ્લામાં ખાનગી જગ્યાએ આવતાં દારૂ અને જુગાર તેમજ ક્રિકેટના સટ્ટા ક્યાં ચાલી રહ્યાં છે તેની માહિતી મેળવી જરૂર પડે ત્યાં દરોડા પાડવા માટે ખાસ ટીમ બનાવી જવાબદારી સોપવામાં આવી છે. જેથી ચૂંટણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રખાઈ રહી છે. રાજ્યના તમામ તાલુકાઓમાં જ્યાંથી પ્રવેશ થાય છે, ત્યાં પોલીસવાન અને ફોટોગ્રાફર સાથે સતત વીડિયોગ્રાફી પણ ચાલી રહી છે. આ ઉપરાંત જ્યાં સી.સી.ટીવી કેમેરા કાર્યરત નથી ત્યાં ચકાસણી કરી તાત્કાલિક ચાલુ કરાવવા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. આ તમામ કામગીરી ચૂંટણી પંચની સીધી દેખરેખ નીચે ચાલી રહી છે.