મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે કહ્યું હતું કે હું એક રીતે બહુ લક્કી છું કારણ કે પત્ની તરીકે કાજોલ બહુ ઊડાઉ કે ખર્ચાળ નથી. હાલ એક ટીવી ચેનલ પર ચાલી રહેલા ઇન્ડિયન આઇડલ ૧૦ પર હાજરી આપ્યા બાદ અજયે આ વાત કરી હતી. કાજોલની હેલિકોપ્ટર ઇલા ફિલ્મના પ્રમોશન રૃપે આ બંને ઇન્ડિયન આઇડલ ૧૦ના સેટ પર હાજર થયાં હતાં.
તમારા ઘર પરિવારમાં સિંઘમ કોણ છે એવા સવાલના જવાબમાં કાજોલે કહ્યું કે અજય સિંઘમ છે અને એનો શબ્દ આખરી ગણાય છે. જો કે બાળકોની બાબતમાં અમે સહિયારા નિર્ણયો લઇએ છીએ. એમાં કોઇ એકનો નિર્ણય ચાલતો નથી. તમારા પરિવારમાં સૌથી વધુ ખર્ચા કોણ કરે છે એવા સવાલના જવાબમાં અજયે કહ્યું કે હું ખૂબ લક્કી છું કે પત્ની તરીકે કાજોલ ઊડાઉ નથી. એ બિનજરૃરી ખર્ચા કરતી નથી. ’કાજોલ કંજુસ છે, જ્યારે હું સતત ખર્ચા કરતો હોઉં છું’ એમ અજયે ઉમેર્યું હતું.
કાજોલ અને અજય સાથેનો આ એપિસોડ આજે શનિવાર ૬ ઓક્ટોબરે રાત્રે ટેલિકાસ્ટ થવાનો છે. આ ઇન્ડિયન આઇડોલમાં બે સંગીતકારો અનુ મલિક અને વિશાલ દાદલાની તથા એક પ્લેબેક સિંગર નેહા કક્કડ જજ તરીકે સેવા આપી રહ્યાં છે.