મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગાંધીજીએ આપેલાં સત્ય, અહિંસા, અપરિગ્રહના ૧૧ વ્રતો અને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આજના યુગમાં પણ એટલો જ પ્રસ્તુત છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગાંધીજીના વિચારો-તેમનું જીવન આજના સમયમાં રિલેવન્ટ છે. વિશ્વની બધી જ સમસ્યાઓનો ઉકેલ ગાંધી ચિંતનમાં રહેલો છે. ગુજરાતની એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ‘સત્યના પ્રયોગો’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ તેમના માટે સત્ય શું છે? તેની પરિકલ્પના રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, અનુગ્રહ-પૂર્વગ્રહથી ઉપર ઉઠી વ્યકિતની નહિ સમષ્ટી માટેની ચિંતા કરવી અને સૌના સુખે-સુખી, સૌના દુઃખે-દુઃખીની વિશ્વ કલ્યાણની ભાવના જગાવવી આજની નિતાંત આવશ્યકતા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમાજમાં અનેક સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો નિવેડો વિકાસ પ્રક્રિયા દ્વારા લાવી શકાય છે. વિકાસ પણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમ દ્વારા લોકોને તેમની સમસ્યાઓનો ઘરઆંગણે જ ઉકેલ મળ્યો છે. ૧ કરોડ લોકોને ગયા વર્ષે સેવા સેતુનો લાભ મેળ્યો છે અને હાલ ૪ થા રાઉન્ડમાં ર૪ લાખ નાગરિકોને ઘેર બેઠાં સરકારી સેવા મળી છે અને જિલ્લા કે તાલુકા કક્ષાએ ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે.
ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા ગામ તળાવો ઊંડા કરી, કેનાલોની સફાઇ કરી, નદી-કોતરો ઊંડા કરી વધુ પાણીનો સંગ્રહ કરી શકાય તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે, તો બીજી બાજુ દરિયાનાં ખારા પાણીને મીઠું કરવું, પાણીને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગ યોગ્ય બનાવવું જેવા વિકાસલક્ષી પગલાં દ્વારા જળસંકટને હળવું બનાવી શકાયું છે. ગુજરાત જે રીતે વીજ સરપ્લસ છે તે જ રીતે વોટર સરપ્લસ બનાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે, આજે સમાજમાં ક્રાઇસીસ ઓફ કેરેક્ટર છે ત્યારે જો વિશ્વસનીય વ્યક્તિત્વો સમાજમાં ઉભા નહીં થાય તો સમાજ નિરાશા-હતાશામાં ધકેલાઇ જશે.
તેમણે કહ્યું કે, વિશ્વમાં સામ્રાજ્યવાદ, મૂડીવાદ ખતમ થઇ રહ્યા છે ત્યારે વિશ્વને ગાંધીવાદ જ ખરું દિશા-દર્શન કરાવી સાચો માર્ગ બતાવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધીજી એક વ્યક્તિત્વ નહોતું પણ સંસ્થા-વિચાર-આંદોલન હતું. તેઓ કાલાતીત અને સર્વ પરિસ્થિતિથી ઉપર ઉઠેલા મહામાનવ હતા. તેમના વિચારો સદૈવ આપને પ્રેરણા આપતા રહેશે. વિજયભાઇ રૂપાણીએ ગાંધીજીનું બાળ શિક્ષણ જે નગરમાં થયું હતું તે નગરમાં પોતાનું બાળપણ શિક્ષણ અને કોલેજ કાળથી લઇ જાહેરજીવનની શરૂઆત થઇ તેના સ્મરણો તાજાં કર્યા હતા.
ઇમરજન્સી વેળાએ કારાવાસ ભોગવવાની ઘટના અને યુવાછાત્ર તરીકે પ્રથમ જાહેર વ્યાખ્યાનની તકે તેમને રાજકીય ક્ષેત્રે સક્રિયતાથી જોડયા તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ સહજ સંવાદમાં આપી હતી. મુખ્યમંત્રીએ જીવનનો પોતાનો સંકલ્પ પ્રસ્તુત કરતાં કહ્યું કે, મનની વિશાળતા, કોઇ પ્રત્યે કટૂતા નહિ અને સૌને સાથે રાખવાની પૂજ્ય બાપૂની પ્રેરણા તેમનું માર્ગદર્શન કરતી રહી છે.
તેમણે કહ્યું કે, સૌથી છેવાડાના માનવી, અંત્યોદયની ઉત્થાન ભાવના, ગરીબ વંચિત દરિદ્રનારાયણની ચિંતા જ તેમના માટે સત્તા થકી સેવાનું માધ્યમ બની છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સત્તા એ તેમના માટે સેવાનું સાધન છે. માણવાની વસ્તુ નહિ પણ અકિંચન સેવા-સાધના છે.આ અવસરે વરિષ્ઠ પત્રકારો, પદાધિકારીઓ, લબ્ધપ્રતિષ્ઠિત વિશ્લેષકો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.