મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મેટ્રો રેલના મોક-અપ કોચને આજે જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો.
તેમણે કહ્યું કે, આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે.મુખ્યમંત્રીએ કહ્યું કે, જાન્યુઆરી ૨૦૧૯ ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલ થી એપેરલ પાર્કના ૬.૫૦ કીલોમીટરના રૂટ પર ટ્રાયલ રન કરાશે. ૨૦૨૦ સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે. તેમણે ઉમેર્યું કે, સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપભેર કામ ઉપાડી સુરતને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે.
મુખ્યમંત્રીએ જનસુવિધા વધારવાના હેતુ સાથે શરૂ કરાનાર આ પ્રોજેક્ટની વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી શહેરીજનો માટે યાતાયાતની સુવિધા સરળ થશે તેમજ લોકોના સમયનો પણ બચાવ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં કોટ વિસ્તાર છે ત્યાં અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે જેથી શહેરના ટ્રાફિકને કોઇપણ પ્રકારની અડચણ નહીં થાય. હાલ મોકઅપ કોચ શહેરજનો માટે ખુલ્લો મુકાયો છે જેને લોકો નિહાળી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિજયભાઈ રૂપાણીએ આ મોક અપ કોચનું નિરીક્ષણ મૂક બધિર બાળકો સાથે કરીને પોતાની સંવેદનશીલતાનો સહજ પરિચય આપ્યો હતો.
મેટ્રો પ્રોજેક્ટના એમ.ડી. આઇ.પી.ગૌતમે જણાવ્યું હતું કે, ફેઈઝ-૧માં પ્રથમ પાંચ વર્ષ માટે ૩ કોચની મેટ્રો ટ્રેન ચલાવાશે. જો કે શહેરમાં તમામ મેટ્રો સ્ટેશનો ૬ કોચની ટ્રેનની ક્ષમતાને આધારે બનાવાયા છે.
મેટ્રો ટ્રેન કોચના ડીલીવરી શીડ્યુઅલની વિગતવાર સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રોનો પ્રથમ ટ્રેન ડીસેમ્બર, ૨૦૧૮ સુધીમાં દક્ષિણ કોરિયાથી અમદાવાદ ખાતે આવી જશે. અને ત્યારબાદ ખોખરા-એપેરલ પાર્ક ડેપો ખાતે તેને તૈયાર કરવામાં આવશે. બીજી ટ્રેન જાન્યુઆરી, ૨૦૧૯ના છેલ્લા અઠવાડીયામાં દક્ષિણ કોરિયાથી અમદાવાદ આવી જશે. સીવીલ એન્જિયિરીંગમાં ભણતાં વિદ્યાર્થીઓ મેટ્રો સાઇટ પર મુલાકાત લઇ તેનો અભ્યાસ કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરાઇ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત તમામ એલિવેટેડ કસ્ટેશનોની લંબાઇ ૧૪૦ મીટરની રાખવામાં આવેલ છે, જયારે અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનોની લંબાઇ ૨૨૦ મીટર કરતાં પણ વધારે રાખવામાં આવેલ છે. અમદાવાદ મેટ્રો રેલ હાલ દુનિયાની સૌથી અદ્યતન મેટ્રો ટેકનોલોજી આધારિત જીઓએ-૩ (ગ્રેડ ઓફ ઓટોમેશન) ટ્રેન છે.
આ ટ્રેનની વિશેષતા એ છે કે દરેક લાઇનમાં ટ્રેન કન્ટ્રોલ રૂમથી ઓપરેટ અને કન્ટ્રોલ થાય છે. ડ્રાયવરની સીટ ઉપર એક ડ્રાયવર રાખવામાં આવે છે. જયારે પણ કોઇ ટેકનીકલ વિક્ષેપ યા ક્ષતિ ઉભી થાય તો ટ્રેનનું સંચાલન ડ્રાયવર કરી શકે છે.
ટ્રેનને ચલાવવા માટે તેમજ તેને મેન્ટેઇન કરવા માટે મેગા કંપની દ્વારા ૬૦૬ જેટલા ટ્રેઇની એન્જીનીયર્સની પસંદગી કરવામાં આવેલ છે. આ ઉમેદવારો પૈકી ૧૧૬ ઉમેદવારોને જરૂરી તાલિમ માટે મેટ્રો રેલ કોર્પોરેશનમાં મોકલવામાં આવેલ છે. તાલિમ પામેલા એન્જીનીયરો સ્ટેશન કન્ટ્રોલર અને ટ્રેન ઓપરેટીંગની કામગીરીમાં ઉપયોગી થશે.
આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, સાંસદ કિરીટભાઇ સોલંકી, ધારાસભ્ય સર્વ જગદીશભાઇ પંચાલ, રાકેશભાઇ શાહ, વલ્લભભાઇ કાકડિયા, સુરેશ પટેલ, મહાનગર પાલિકાના પદાધિકાઓ, જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, કોર્પોરેટરઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.