ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ગુજરાતની વધુ નવી ત્રણ પશુઓલાદને રાષ્ટ્રીય માન્યતા આપીને નવી ઓલાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાંચાલી (ડુમ્મા) ઘેટાં, કાહમી બકરી અને હાલારી ગર્દભ(ગધેડા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષોમાં ગુજરાતમાં કચ્છની બન્ની ભેંસ, ખારાઇ ઊંટ અને કચ્છી-સિન્ધી અશ્વ સહિતની નવી જાતોને રાષ્ટ્રીય માન્યતા અપાઇ હતી. દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જેણે રાજ્યની દેશી પશુ ઓલાદોના રજીસ્ટ્રેશન માટે ખાસ કાર્યક્રમ અમલમાં મુકીને માત્ર પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યની આઠ નવી પશુ ઓલાદો શોધી કાઢી છે અને તેના સંરક્ષણ અને વિકાસ માટે અનેક પગલાંઓ લેવાઇ રહ્યાં છે.