મધ્યપ્રદેશ પ્રવાસ ઉપર પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મુરેનામાં જાહેરસભા યોજી હતી. રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હાલમાં દિલ્હી પહોંચેલા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. રાહુલે ઉમેર્યું હતું કે ખેડૂતો પોતાના અધિકારો માટે લડે છે અને તેમને જેલભેગા કરવામાં આવે છે પરંતુ એવી વ્યક્તિ સામે પગલા લેવામાં આવતા નથી જે લોકો ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને વિદેશ ફરાર થઈ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે વિજય માલ્યા નવ હજાર કરોડ લઈને ફરાર થઈ ગયા છે. ભાગી જતા પહેલા તેઓ સંસદમાં નાણામંત્રીને મળ્યા હતા.
અને કહ્યું હતું કે તેઓ લંડન જઈ રહ્યા છે. નાણામંત્રીએ પોલીસ, ઈડી અને સીબીઆઈને પણ આની જાણ કરી ન હતી. ખેડૂતો પોતાના અધિકારો માટે લડે છે ત્યારે તેમને જેલમાં નાખી દેવામાં આવે છે પરંતુ એવી વ્યક્તિ સામે કોઈ પગલા લેવાતા નથી જે લોકો દેશના જંગી નાણા લઈને ફરાર થઈ ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે મનરેગા માટે ૩૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા પરંતુ આ સ્કીમના તમામ પૈસા લઈ લેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ જેટલા રૂપિયા મનરેગા માટે આપ્યા હતા તેટલા રૂપિયા નરેન્દ્ર મોદીએ ચોરી લીધા છે. રાહુલે આક્ષેપ કર્યો હતો કે ભાજપના લોકોએ સમગ્ર દેશના પંચાયતી રાજના માળખા ઉપર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસ જે જમીન અધિગ્રહણ બિલ લાવી છે તેને ખેડૂતોને પૂંછીને પંચાયતમાં પૂછીને જમીન લેવામાં આવતી હતી. માર્કેટ રેટથી ચાર ગણી કિંમત આપવામાં આવતી હતી પરંતુ ૨૦૧૪માં મોદી અને ભાજપની સરકાર બન્યા બાદથી જમીન અધિગ્રહણની પ્રક્રિયા ભાજપ ખતમ કરી દેવા ઈચ્છુક બની હતી. રાહુલે જનસભામાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે તો ટ્રાયબલ બિલ લાગુ કરવાની વાત કરી હતી. રાફેલનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો હતો.