પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર

961

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા સેમીફાઈનલ તરીકે ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. જ્યારે મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં એક તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૧૮ સીટો માટે ૧૨મી નવેમ્બરના દિવસે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં ૭૨ વિધાનસભા ક્ષેત્રોમાં ૨૦મી નવેમ્બરના દિવસે મતદાન થશે. ચૂંટણી પંચે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક તબક્કામાં ૨૮મી નવેમ્બરના દિવસે મતદાન યોજવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન અને તેલંગાણામાં સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજવામાં આવશે અને તેજ દિવસે પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તમામ પાંચ રાજ્યોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ આચારસંહિતા અમલી બની ગઈ છે.

જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમને લઈને હાલમાં અટકળોનો દોર ચાલી રહ્યો હતો. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજાશે. બીજી બાજુ ચૂંટણી પંચે એવી જાહેરાત પણ કરી હતી કે કર્ણાટકમાં મંડીયા, બરેલી અને સીમોગામાં પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરના દિવસે યોજાશે. આચારસંહિતા તાત્કાલિક ધોરણે અમલી કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ વખતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. ઈવીએમ અને વીવીપેટના સંદર્ભમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે તમામ મશીનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહી છે જે અતિ આધુનિક માર્ક-૩ની છે અને બીઈએલમાં તૈયાર કરવામાં આવી છે. મતદાનની શરૂઆત પહેલા મોક ચૂંટણી પણ યોજવામાં આવશે. ચૂંટણી પ્રચારની સામગ્રી તૈયાર કરતી વેળા ઈકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવા રાજકીય પક્ષોને અપીલ કરવામાં આવી છે. પાંચ રાજ્યોમનાં વિધાનસભાની અવધિ જાન્યુઆરી ૨૦૧૯ સુધી પરિપૂર્ણ કરવામાં આવી રહી છે. મિઝોરમમાં ૫૦ સભ્યોની વિધાનસભાની અવધિ ૧૫મી ડિસેમ્બરના દિવસે પૂર્ણ થશે. જ્યારે છત્તીસગઢમાં ૯૦ સભ્યોની વિધાનસભા અવધિ પાંચમી જાન્યુઆરીએ પૂર્ણ થશે. મધ્યપ્રદેશમાં ૨૩૦ સભ્યોની વિધાનસભાની અવધિ સાતમી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પૂર્ણ થશે. ૨૦૦ સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં વિધાનસભાની અવધિ ૨૦મી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થશે. તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ દ્વારા હાલમાં જ ગૃહને વિખેરી નાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી ન થાય તેની ખાતરી કરવા માટે વિધાનસભાને વિખેરી નાખવામાં આવી હતી. ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજવાના સમયમાં ફેરફાર કરવા બદલ આજે માફી માંગી હતી અને કહ્યું હતું કે કેટલાક સંજોગો એવા રહ્યા હતા. ચેરમેને કોંગ્રેસના આક્ષેપોના સંદર્ભમાં કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ આચારસંહિતા અમલી બની ચુકી છે. જેથી કોઈપણ મોટી જાહેરાતો હવે થઈ શકશે નહીં. પોલિસી નિર્ણય સંબંધિત રાજ્યોમાં કરી શકાશે નહીં. વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી હતી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં હાલ ભાજપની સરકાર છે અને આ ત્રણેય રાજ્યોમાં ભાજપ માટે સત્તા ટકાવી રાખવાની બાબત ખૂબ જ પડકારરૂપ બનેલી છે કારણ કે શાસન વિરોધી પરિબળ પણ જોવા મળે છે. ભાજપ-કોંગ્રેસ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે.

ઈકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવાનું સૂચન

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ તાત્કાલિક ધોરણે આચારસંહિતા અમલી બની ગઈ છે. આચારસંહિતાને અસરકારક રીતે અમલી કરવા માટે તમામ પગાલ લેવામાં આવી રહ્યા છે. જાન્યુઆરીના મધ્યમાં વિધાનસભાઓની અવધિ પાંચેય રાજ્યોમાં પૂર્ણ થઈ રહી છે. જેથી સમયસર ચૂંટણી કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે પ્રચારની સામગ્રી તૈયાર કરવા માટે ઈકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવા માટે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે. અતિઆધુનિક માર્ક-૩ ઈવીએમનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં કરાશે.

Previous articleરૂપિયા પર લગામ રાખવી અમારૂં કામ નહી, તે માર્કેટ પર નિર્ભર કરે છે : ઉર્જીત પટેલ
Next articleઅલ્પેશ ઠાકોર : ભાજપના કાર્યકરો પરપ્રાંતિયોને ભગાડી રહ્યા છે