વાવોલ ગામમાં કલોલ તરફ જતા માર્ગ વચ્ચે નવું ગરનાળુ બનાવવામાં આવ્યું છે. જુના ગરનાળાને તોડીને નવું બનાવવામાં આવતાં ત્યાં આસપાસનો માર્ગ ખોદી દેવાયો હતો અને તેની પર કપચી તથા માટી નાંખવામાં આવી હતી. પરંતુ ચૂંટણી જાહેર થતાં માર્ગની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે માર્ગ પરની માટી ઉડી રહી છે અને ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. આ માર્ગ પર પાણી છાંટવામાં આવે તેવી ગ્રામજનો અને વાહનચાલકોએ માંગ કરી છે.
વરસાદના કારણે મગરની પીઠ જેવા બની ગયેલા શહેરના માર્ગોનું સમારકામ અને નવિનીકરણ કરવામાં આવી રહ્યું હતું.પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જતાં વિકાસ કામો ખોરંભે પડ્યા છે. ત્યારે ઘણી જગ્યાએ માર્ગની કામગીરી અંતિમચરણમાં હોવાથી તેની પર કપચી અને કાળી માટી નાખવામાં આવી હતી. પરંતુ ચૂંટણીના કારણે તમામ વિકાસ કામો પર આચાર સહિંતા લાગી છે. વાવોલમાં બનાવવામાં આવેલા નવા ગરનાળાની આસપાસના માર્ગ પર કપચી અને માટીના થરમાંથી ઉડતી ધુળના કારણે વાહન ચાલકો અને આસપાસના રહિશો પરેશાન થઇ ગયા છે.