રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી) પ્રમુખ શરદ પવાર ૨૦૧૯ની ચૂંટણી લડશે નહી. પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે શનિવારે આ અંગે જાણકારી આપી હતી. પૂણે લોકસભા બેઠક પર પવારના ચૂંટણી લડવાના કયાસો પર વિરામ લગાવતા આવ્હાડે જણાવ્યું કે, તેમણે(શરદ પવાર) ૨૦૧૪માં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ આગામી લોકોસભા ચૂંટણી લડશે નહી.
મુંબઇ-કુર્લાના એનસીપી ધારાસભ્યએ જણાવ્યું કે, પવારે પાર્ટીને તેમનો નામ ચૂંટણી માટે સામેલ ન કરવા જણાવ્યું હતું કેમકે તેઓ હવે ચૂંટણી લડશે નહી. શનિવારની બેઠકમાં પવારે જણાવ્યું કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહી. કોઇએ પણ તેમના નામની દરખાસ્ત કરવી નહી. ત્યાંજ એનસીપીના નેતાએ પણ આ વાતની પુષ્ટી કરી હતી.
આવ્હાડે આ વાતથી ઇનકાર કર્યો હતો કે, એનપીસી પ્રમુખે મવાલ લોકસભા બેઠક પરથી પાર્થ પવારની ઉમેદવારીનો વિરોધ દર્શોવ્યો છે. પાર્થ પવાર વરિષ્ઠ નેતા અજીત પવારના પુત્ર છે. આવ્હાડે જણાવ્યું કે, પ્રારંભિક ચર્ચા થઇ રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા બાદ નામને જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર એનસીપી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચર્ચા માટે પાછલા કેટલાક દિવસોથી બેઠક કરી રહ્યા છે. આ બેઠકની શરૂઆત શનિવાર સવારે થઇ હતી.