પરપ્રાંતિયો પર હુમલા સંદર્ભે કડક પગલા : ૩૪૨ની અટકાયત

585

ગુજરાતના હિંમતનગરમાં માસુમ બાળકી પર રેપ બાદ થઇ રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, હજુ સુધી હિંસાના મામલામાં કુલ ૩૪૨ લોકોની અટકાયત કરવામાં આવી છે. સાથે સાથે પોલીસ જવાનોની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. સાવચેતીના પગલારુપે રાજ્યભરમાં પરપ્રાંતિય લોકોમાં વિશ્વાસ સ્થાપિત કરવા પોલીસ કર્મીઓની રજા હાલપુરતી રદ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોની ૧૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. માસુમ બાળકી ઉપર રેપની ઘટના બાદ ઉત્તર ભારતીયો અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. હુમલા કરનાર લોકોમાં મોટાભાગના લોકો ઠાકોર સમાજના હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ શિવાનંદ ઝાએ કહ્યું છે કે, અમદાવાદ શહેરમાં પણ હુમલાની એકબે ઘટના બની છે. અમદાવાદ ગ્રામ્ય ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ઝાએ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના બે જિલ્લા મહેસાણા અને સાબરકાંઠામાં સ્થિતિ હવે સંપૂર્ણ કાબૂમાં છે. ૪૨ ગુના હજુ સુધી દાખલ કરાયા છે. અન્યોની ધરપકડનો દોર જારી છે.  પોલીસ તંત્ર દ્વારા એક એકશન પ્લાન બનાવાયો છે, જેમાં એસપી કક્ષાના સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. પરપ્રાંતિયો પર રાજ્યમાં થઈ રહેલા હુમલાની ઘટનાઓને પગલે અમદાવાદમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદની નજીકમાં ચાંગોદર જીઆઈડીસી અને સાણંદ મુખ્ય ઔદ્યોગિક મથકો છે.

, પોલીસે સાણંદ અને ચાંગોદર જીઆઈડીસીમાં એસઆરપીની ટુકડીઓ અને પોલીસની કુમક ઉતારવામાં આવી છે. અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ પરપ્રાંતિયો પર હુમલાની ઘટના જોવા મળી છે. જેમાં શનિવારે સાંજે ચાંગોદરમાં ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન કરતાં ત્રણ પરપ્રાંતીય પર અને રાંચરડા ફાર્મ હાઉસ ખાતે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા પરપ્રાંતીય પર હુમલો કરવામાં આવ્યો હતો. હિંમ્મતનગરમાં ૧૪ માસની બાળકી પર દુષ્કર્મની ઘટના અંગે સોમવારે ગુજરાત બંધ હોવાનાં મેસેજ વાયરલ થયા હતાં. જોકે, ગુજરાત બંધનું એલાન કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ સંસ્થા દ્વારા આપવામાં ન આવ્યું હોવાની વાત જાણવા મળી છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલા મેસેજ ખોટા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાઓની ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. શહેર તેમજ શહેરની બહારના ભાગમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારો, પરપ્રાંતિયોની વસાહતોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં એસઆરપીનાં જવાનોની ત્રણ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. પોલીસ તંત્રને એલર્ટ રહેવા સુચના અપાઈ છે.

Previous articleગુજરાત વિધાનસભા અધ્યક્ષે લીધી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત, કામગીરીની કરી સમીક્ષા
Next articleગરબા સ્થળોએ સીસીટીવી  લગાવવા માટે આદેશ જારી