ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના મોતને લઇને હચમચી ઉઠેલી સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા હવે ઝડપથી લેવામાં આવી રહ્યા છે. સાવચેતીરુપે અધિકારીઓને પણ દોડતા કરવામાં આવ્યા છે. સિંહોને સારવાર આપવા માટેની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે શરૂ થઇ ચુકી છે. આજે સિંહોને વેક્સિન આપવાનો દોર સતત બીજા દિવસે યથાવતરીતે જારી રહ્યો હતો. ગીરમાં વિવિધ બીમારીથી ૨૩ સિંહોનાં મૃત્યુ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જૂનાગઢ જિલ્લાના બિલખામાં પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે, ગીર અને આસપાસના વિસ્તારમાં વસતા સિંહમાં બીમારી અંગે ઉચ્ચકક્ષાના નિષ્ણાતોની મદદથી સર્વેક્ષણ અને સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે, તેમાં તમામ રિપોર્ટ નેગેટિવ હોવાથી ચિંતાનો કોઇ વિષય નથી. ભવિષ્યમાં સિંહની બીમારી અંગે ઝડપથી નિદાન અને સારવાર પ્રક્રિયા થાય તે માટે તમામ સ્તરનું વ્યવસ્થાપન ગોઠવાઇ રહ્યું છે. ગુજરાતમાં સિંહ સલામત છે અને તેનું સ્થળાંતર નહીં થાય. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સરકાર સિંહના રક્ષણ માટે કટીબદ્ધ છે. સિંહની ચિંતા કરીને તાબડતોબ અમેરિકાથી વેક્સિન પણ મંગાવવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ, તબીબો અને ભારત સરકારના સંકલનમાં રહીને તમામ સ્તરની કામગીરી થઇ રહી છે. ગીરમાં સિંહના સ્વાસ્થ્યને લઇને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બીજી બાજુ સિંહોના તબક્કાવારરીતે વેક્સિનાઇઝેશનની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. વન્ય અને પર્યાવરણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ માહિતી આપતા કહ્યું છે કે, ૩૬ સિંહોના ટેસ્ટના સંદર્ભમાં વાઇરલ ઇન્ફેક્શન અને સીડીવીને લઇને એનઆઈવી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પ્રથમ ડોઝ આપવામાં આવ્યા બાદ વેક્સિન બુસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ થશે. ત્રણ સપ્તાહ બાદ આ પ્રક્રિયા ફરી શરૂ થશે.
ગુપ્તાએ કહ્યું હતું કે, જો એનઆઈવી રિપોર્ટ નેગેટિવ આવશે તો કેસ ટુ કેસના આધાર પર વન્ય વિસ્તારમાં સિંહોને ફરી છોડવા માટેની પ્રક્રિયા ઉપર ફરી વિચારણા કરવામાં આવશે. બીજી બાજુ સિંહોના મોતના મુદ્દે જુદા જુદા રાજકીય પક્ષો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પગલા લેવાની અપીલ કરી ચુક્યા છે. તેમના કહેવા મુજબ છેલ્લા ત્રણ સપ્તાહમાં ૨૩ સિંહના મોત થઇ ચુક્યા છે. ગીર નેશનલ પાર્કમાં મોટી સંખ્યામાં સિંહના મોતની બાબત ચિંતાજનક છે. ૨૦૧૬ બાદથી આશરે ૧૮૦ સિંહના મોત થઇ ચુક્યા છે.