ધોલેરા પોલીસ હાઈવે પર પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પરોઢીયાના સમયે સૌરાષ્ટ્રના અમરેલી તરફ બે ટ્રકોમાં કુલ ર૧ ભેંસોને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવાતી હતી તે દરમ્યાન ધોલેરા પોલીસે શંકાના આધારે બે ટ્રકોને રોકવા માટે પ્રયત્ન કરતા બન્ને ટ્રક ચાલકો, કસાઈઓ ટ્રક મુકી ભાગી છુટ્યા હતા.
ભાવનગર-ધોલેરા હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી કતલખાને લઈ જવાતા પશુઓની હેરાફેરી બંધ હતી પરંતુ હમણા કસાઈઓએ માથુ ઉચકયું છે. હાઈવે પર પેટ્રોલીંગમાં વિષ્ણુભાઈ-એએસઆઈ, ગણપતભાઈ પો.કો. તથા ભગવાનભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી કસાઈઓને ઝડપી લેવા પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ પશુઓની હેરાફેરીમાં પશુઓ ભરેલ વાહન માટે પાયલોટીંગ કરવામાં આવતું હોય છે અને અંતે તેઓ ફરાર થઈ જતા હોય છે. આમ ઝડપી પાડેલ ભેંસોને ધોલેરા પાંજરાપોળમાં આશ્રય આપવામાં આવ્યો હતો. ર૧ ભેંસોની કિંમત ૪ લાખ વીસ હજાર અને બે ટ્રકોની કિંમત ૧૦ લાખ, કુલ મળી ૧૪ લાખ ર૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ધોલેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.