બરવાળા તાલુકાના જુના નાવડા ગામે અરીહંત ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સ્વ.રાજદિપસિંહ જીવરાજભાઈ ભાડલીયાની પ્રથમ માનસિક પૂણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રકતદાન તેમજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાવડા તેમજ આજુબાજુના ગામોના લોકો, આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.
બરવાળા તાલુકાના જુના નાવડા ગામે મુક્તિધામ પાસે તા.૦૭-૧૦-ર૦૧૮ને રવિવારના રોજ સવારના ૯-૦૦ થી બપોરના ર-૦૦ વાગ્યા સુધી નિશુલ્ક સર્વરોગ નિદાન તેમજ સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આંખના નિષ્ણાંત, દાંતના નિષ્ણાંત, હાડકાના નિષ્ણાંત, સર્જીકલ નિષ્ણાંત, સ્ત્રીરોગ નિષ્ણાંત, જનરલ ફીઝીશીયન તેમજ મેડીકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના સ્ટાફ ઉપસ્થિત રહી ૬પ૦ જેટલા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું તેમજ સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્વૈચ્છિક રકતદાન કેમ્પમાં ૧ર૧ રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું. આ તમામ રકતદાતાઓને સ્વ.રાજદિપસિંહ ભાડલીયાના પરિવાર તરફથી દિવાલ ઘડીયાળની ગિફ્ટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત ડોક્ટરો દ્વારા આંખ, કાન, નાક, ગળા, હાડકા, સાંધાના દુખાવો, ડાયાબીટીસ, શ્વાસના રોગ, મગજના રોગ, પેટના રોગ, સ્ત્રી રોગ સહિતના તમામ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.
આ સર્વરોગ નિદાન તેમજ રકતદાન કેમ્પને સફળ બનાવવા અરિહંત ચેરીટેબલ ટ્રસ્ટ (નાવડા) તેમજ સ્વ.રાજદિપસિંહ ભાડલીયાના પરિવારજનો સહિત નાવડા ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.