કેરેબિયન ટાપુ હૈતીના ઉત્તરીય કિનારા વિસ્તારમાં શનિવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાતાં સંખ્યાબંધ મકાનો તુટી પડતાં ૧૧ લોકોના મૃત્યુ થયા હતા તો ૧૩૫થી વધુને ઇજા પહોંચી હતી. અમેરિકી ભૂસ્તરીય સંસ્થાને જણાવ્યા મુજબ ૫.૯ની તીવ્રતા ધરાવતા ભૂકંપનું એપિસેન્ટર પોર્ટ દે પૈક્સથી વાયવ્યે ૧૨ કિ.મી.ના અંતરે ૧૧.૭ કિ.મી. ઉંડે પેટાળમાં નોંધાયું હતું.
પોલીસ અધિકારી જેક્સન હિલેરીએ જણાવ્યું હતું કે પોર્ટ દ પૈક્સમાં સાત લોકો માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. અન્ય ચાર વ્યક્તિના ગ્રોસ મોર્ને નગરમાં મૃત્યુ નોંધાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. વર્ષ ૨૦૧૦માં પોર્ટ ઔઉ પ્રિન્સને હચમચાવી નાખનારા ૭ની તીવ્રતાના ભૂકંપ પછી શનિવારે તેના જેવો જ શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપે વર્ષ ૨૦૧૦માં હજારો લોકોનો ભોગ લીધો હતો.ભૂકંપને પગલે લોકોમાં ગભરાટની લાગણી ફરી વળી હતી. હૈતીના પ્રમુખ જોવેનલ માઈસે ટિ્વટર પર ટિ્વટ કરતાં લોકોને ધીરજ અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
ભૂકંપ પછી તંત્રે બચાવ અને રાહત કામગીરી પણ શરૃ કરી દીધી હતી. પોર્ટ – દ – પૈક્સ અને ગ્રોસ -મોર્ને નગરમાં ભૂકંપે ભારે તારાજી સર્જી હતી. સંખ્યાબંધ મકાનો ધરાશયી થયા હતા. ભૂકંપ આવતાં પોલીસે અટકાયત કરીને રાખેલા કેટલાક લોકોને મુક્ત કરી દીધા હતા. અટકાયતીઓને રખાયા હતા તે મકાનને જ નુકસાન પહોંચ્યું હતું. કેટલાક ચર્ચને પણ નુકસાન પહોંચ્યું હતું.
શક્તિશાળી ભૂકંપના આંચકા પછી બે આફટરશોક પણ અનુભવાયા હતા.ભૂકંપને પગલે જોકે સુનામીની આગાહી કરવામાં નહોતી આવી.